Navsari Flood: ભારે વરસાદ બાદ ભારતીય સેનાની પ્રશંસનીય કામગીરી, મરાઠા યુનિટ દ્વારા જળમગ્ન વિસ્તારોમાં ફસાયેલા 63 લોકોનું સફળ રેસ્ક્યુ

પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન માટેની સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત, પશુધનના નુકસાન બદલ સહાય પણ રાજ્ય સરકારના ધોરણો મુજબ આપવામાં આવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jul 2026 10:00 PM (IST)Updated: Sat, 25 Jul 2026 10:00 PM (IST)
navsari-flood-indian-army-rescues-63-minister-cr-patil-review-aid

Navsari Flood: નવસારી જિલ્લામાં પડેલા ભારે વરસાદની સ્થિતિ વચ્ચે ત્રાંટકેલા જળપ્રલયની પરિસ્થિતિમાં ભારતીય સેનાના મરાઠા યુનિટ દ્વારા તારીખ ૨૪ અને ૨૫ જુલાઈના રોજ વ્યાપક બચાવ અને રાહત અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મરાઠા રેજિમેન્ટે રિંગ રોડ, ટાટા હાઈસ્કૂલ તથા આસપાસના જળમગ્ન વિસ્તારોમાંથી પાણીમાં ફસાયેલા કુલ 63 વ્યક્તિઓનું સુરક્ષિત રેસ્ક્યુ કરી નવજીવન બક્ષ્યું હતું.

આ વિકટ પરિસ્થિતિમાં સેનાના જવાનો દ્વારા રાહત સામગ્રી ઉપરાંત પીવાનું શુદ્ધ પાણી અને જરૂરી દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વહીવટી તંત્ર દ્વારા લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની સાથે રોગચાળો ફાટી નીકળે તે અટકાવા યુદ્ધના ધોરણે સફાઈ અભિયાન અને કાટમાળ હટાવવાની કામગીરી સઘનપણે ચલાવવામાં આવી રહી છે.

સી.આર. પાટીલ અને નરેશભાઈ પટેલ દ્વારા નવસારી જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત

નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્રીય કેબિનેટ મંત્રી (જલશક્તિ મંત્રાલય), ભારત સરકાર તથા નવસારીના સાંસદ સી.આર. પાટીલ અને રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલે આજ રોજ જિલ્લાની મુલાકાત લીધી હતી.

naidunia_image

મુલાકાતની શરૂઆત નવસારી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમથી કરવામાં આવી હતી, જ્યાં જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ભારે વરસાદ અને પૂર દરમિયાન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયેલી બચાવ, રાહત અને પુનઃસ્થાપનની કામગીરી અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

જે બાદ મંત્રીઓએ ગણદેવી તાલુકાના સોનવાડી ગામ, બીલીમોરાના ઊંડાચ વિસ્તાર તેમજ ચીખલી તાલુકાના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ સ્થળ પરની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી સરકાર તરફથી શક્ય તમામ સહાય ઝડપથી પહોંચાડવાની ખાતરી આપી હતી.

naidunia_image

મુલાકાત દરમિયાન જરૂરિયાતમંદ પરિવારોને રાહત કિટ તથા ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત, પૂરથી અસરગ્રસ્ત પરિવારોને કેશડોલ સહાયનું વિતરણ ઝડપથી પૂર્ણ કરવા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા જાળવી રોગચાળો અટકાવવા માટે જરૂરી તમામ પગલાં તાત્કાલિક લેવા સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, પૂરથી અસરગ્રસ્ત પરિવારોને ઘરવખરીના નુકસાન માટેની સહાય ચૂકવવામાં આવશે. ઉપરાંત, પશુધનના નુકસાન બદલ સહાય પણ રાજ્ય સરકારના ધોરણો મુજબ આપવામાં આવશે. આ મુલાકાત દરમિયાન સ્થાનિક જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ તેમજ જિલ્લા વહીવટીતંત્રના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ચીખલીના સાદડવેલ ગામે પાણીમાં ડૂબી જતા આધેડનું મોત

નવસારી જિલ્લામાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ચીખલી તાલુકામાંથી એક દુખદ ઘટના બની છે. સાદડવેલ અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાયા હતા આ દરમ્યાન ગોડાવન ફળિયામાં રહેતા યોગેશભાઈ રમણભાઈ પટેલ (58)ના ઘરમાં પણ પાણી ભરાયા હતા. આજે સવારે તેમના ઘર નજીક પાણીમાંથી તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેઓ ઘરમાં એકલા જ રહેતા હતા. આ અંગે તેમની બહેનએ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી હતી.