Gujarat Flood Relief Package: રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં પીડિતોની મદદ માટે ગુજરાત સરકારે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપતા જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વલસાડ, નવસારી અને સુરત સહિત સમગ્ર રાજ્યમાં પાણી ભરાવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલા લોકોને તાત્કાલિક આર્થિક સહાય પહોંચાડવામાં આવી છે. પૂરના પાણી ઓસર્યાના 24 કલાકની અંદર, એટલે કે માત્ર 18 કલાકમાં જ ગામડે-ગામડે જઈને સીધી સહાય વિતરણ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
પરિવાર દીઠ ₹6,800 સુધીની રોકડ અને ઘરવખરી સહાય
પૂરને કારણે રોજગારી ગુમાવનારા લોકોને દૈનિક ₹300 લેખે પરિવારના વધુમાં વધુ બે સભ્યો માટે ત્રણ દિવસના કુલ ₹1,800 કેશ ડોલ્સ (Cash Doles) તરીકે ચૂકવવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઘરવખરી અને કપડાં માટે ₹2,500 મળીને અસરગ્રસ્ત પરિવારને કુલ ₹6,800ની પ્રાથમિક આર્થિક સહાય પૂરી પાડવામાં આવી છે. વહીવટી પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે જિલ્લા કલેક્ટરોને સીધું જ ભંડોળ ફાળવવામાં આવ્યું હતું જેથી સમયસર મદદ પહોંચાડી શકાય.
દક્ષિણ ગુજરાતમાં ₹163.68 કરોડ અને ખેડૂતો માટે ₹10,000 કરોડનું પેકેજ
દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં છેલ્લા બે વર્ષ દરમિયાન કુલ 2,40,062 અસરગ્રસ્તોને ખેતી, ઘરવખરી, મકાન અને પશુધનના નુકસાન સામે ₹163.68 કરોડથી વધુની રકમ ચુકવાઈ છે. જેમાં વલસાડ જિલ્લામાં ₹73.56 કરોડ અને નવસારીમાં ₹68.75 કરોડની સહાયનો સમાવેશ થાય છે. આ સિવાય ગત વર્ષે પાક નુકસાની વેઠતા ખેડૂતો માટે રાજ્ય સરકારે ₹10,000 કરોડનું માતબર બજેટ પેકેજ આપ્યું હતું, જેમાં SDRFના સામાન્ય ધોરણો કરતાં બમણી રકમ ચૂકવવામાં આવી છે.
