નવસારીવાસીઓને ₹753 કરોડના વિકાસકાર્યોની ભેટ: CM ભૂપેન્દ્ર પટેલે કર્યું 240 પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવસારીથી વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજનાનું લોન્ચિંગ કર્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 29 Nov 2026 09:23 PM (IST)Updated: Sun, 29 Nov 2026 09:23 PM (IST)
navsari-753-crore-development-projects-cm-bhupendra-patel-240-works-inauguration-foundation

CM Bhupendra Patel Navsari Visit: નવસારી શહેર અને જિલ્લાને ₹753 કરોડના 240 વિકાસ પ્રકલ્પોની ભેટ મળી છે. નવસારી ટાઉનહોલ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ₹389.20 કરોડના 65 કામોનું ભૂમિપૂજન, ₹248.30 કરોડના ખર્ચે 154 કામોનું ખાતમુહૂર્ત અને ₹115.86 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ 21 પ્રકલ્પોનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે રાજ્યના આદિવાસી યુવક-યુવતીઓને સ્થાનિક સ્તરે રોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

નવસારીમાં નવા RCC રસ્તાઓ બનાવવામાં આવશે

નવસારીમાં રસ્તાઓના નિર્માણ અંગે CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જે વિસ્તારોમાં રોડના વર્ક ઓર્ડર આપી દેવામાં આવ્યા છે, તે સિવાયના નવા કામોમાં RCC રોડ બનાવવાની શરૂઆત નવસારીથી થઈ છે. વરસાદની વધુ અસર ધરાવતા નવસારીમાં RCC રસ્તાઓ નાગરિકોને આવાગમન માટે મોટી રાહત આપશે.

CM ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, મેઘરાજાની મહેર ધરાવતા આ વિસ્તારમાં RCC રસ્તાઓની સુવિધા ઉપયોગી સાબિત થશે. મુખ્યમંત્રીએ સ્થાનિક પ્રશાસન અને તંત્રવાહકોને વિકાસકામો માટે સુવ્યવસ્થિત આયોજન કરવા જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે વિકાસ કામો માટે નાણાંની ફાળવણી કરવા રાજ્ય સરકાર હંમેશા તત્પર છે.

naidunia_image

મહાનગરપાલિકાનો દરજ્જો વિકાસના ભવિષ્યનો પાયો

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, નવસારીની જનતાની વર્ષો જૂની માંગણીને માન આપીને રાજ્ય સરકારે શહેરને મહાનગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ માત્ર વહીવટી પરિવર્તન નથી, પરંતુ ઉજ્જવળ શહેરી વિકાસના ભવિષ્યનો પાયો છે.

તેમણે ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે શહેરોના સુનિયોજિત વિકાસ, માળખાકીય સુવિધાઓ, સ્વચ્છતા, આવાસ, પરિવહન અને નાગરિક સુવિધાઓને પ્રાથમિકતા આપી છે. સરકારી યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે અને 50 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.

વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજનાનો શુભારંભ

રાજ્યના આદિવાસી યુવક-યુવતીઓને કૌશલ્યવાન બનાવીને રોજગાર અને સ્વરોજગારીની તકો પૂરી પાડવાના હેતુથી મુખ્યમંત્રીએ નવસારીથી વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજનાનું લોન્ચિંગ કર્યું હતું.

આદિવાસી યુવાનોને ઘરઆંગણે જ રોજગારીની નવી તકો મળી રહે તે માટે યોજના મહત્વપૂર્ણ પહેલ હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ પ્રસંગે યોજના હેઠળ તાલીમ માટે નોંધાયેલા તાલીમાર્થીઓને રજિસ્ટ્રેશન સર્ટિફિકેટનું વિતરણ કર્યું હતું. કાર્યક્રમમાં યોજનાને લગતી શોર્ટ ફિલ્મનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું.

naidunia_image

આદિવાસી પટ્ટાના વિકાસ માટે ₹2 લાખ કરોડ

મુખ્યમંત્રીએ છેલ્લા 25 વર્ષમાં આદિજાતિ વિસ્તારોના વિકાસમાં ઐતિહાસિક પરિવર્તન આવ્યું હોવાનું જણાવ્યું હતું. ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાને આગામી 5 વર્ષ માટે ગુજરાતને ₹2 લાખ કરોડની જનજાતીય કલ્યાણ યોજનાની ભેટ આપી છે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર આગામી 5 વર્ષમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી પટ્ટાના સર્વાંગી વિકાસ માટે ₹2 લાખ કરોડનો ખર્ચ કરશે.

અંબિકા નદી પર પુલ માટે ₹19 કરોડની મંજૂરી

આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈએ જણાવ્યું કે, સરકાર જનપ્રતિનિધિઓ અને પાયાના કાર્યકરો દ્વારા વર્ષોથી સેવવામાં આવતા જનહિતના સપનાં સાકાર કરવા સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે. નવસારીના વરિષ્ઠ આગેવાન સ્વ. ધીરુભાઈ દાજીભાઈ કોળી પટેલે અંબિકા નદી પર પુલ નિર્માણનું સ્વપ્ન સેવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અંબિકા નદી પર આ પુલ બનાવવા માટે ₹19 કરોડ મંજૂર કર્યા છે. આ નિર્ણય દિવંગત આગેવાનની જનસેવાની ભાવનાને સાચી શ્રદ્ધાંજલિ સમાન છે.

કોસ્ટલ હાઈવે અંગે રજૂઆતનો હકારાત્મક પ્રતિસાદ

ધારાસભ્ય રાકેશ દેસાઈએ કૃષ્ણપુરથી ધોલાઈ વચ્ચે કોસ્ટલ હાઈવેના માર્ગ નિર્માણ દરમિયાન કાંઠા વિસ્તારમાં પાણી ભરાવાની આશંકા અંગે પણ રજૂઆત કરી હતી. રજૂઆતના સંદર્ભમાં મુખ્યમંત્રીએ સમસ્યાના નિરાકરણ માટે ત્વરિત હકારાત્મક ખાતરી આપી હતી. ધારાસભ્યએ ગરીબ અને છેવાડાના માનવી પ્રત્યેની સરકારની સંવેદનશીલતા અને પ્રતિબદ્ધતા બદલ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

naidunia_image

વિવિધ વિભાગોના ₹753 કરોડના વિકાસકામો

મુખ્યમંત્રીના હસ્તે નવસારી જિલ્લામાં વિવિધ વિભાગોના કુલ ₹753 કરોડના વિકાસકામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

  • માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ: ₹336 કરોડનાવિકાસકામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
  • માર્ગ અને મકાન વિભાગ (પંચાયત): ₹95.39 કરોડના કામોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત.
  • આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ: ₹73.69 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
  • નવસારી મહાનગરપાલિકા: ₹69 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
  • માર્ગ અને મકાન (રાષ્ટ્રીય ધોરીમાર્ગ) વિભાગ: ₹63 કરોડના કામોનું ખાતમુહૂર્ત.
  • નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ: ₹91 કરોડના કામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
  • ગણદેવી નગરપાલિકા: ₹10 કરોડના કામોનું ભૂમિપૂજન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
  • રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ.: ₹10 કરોડના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ.
  • શિક્ષણ વિભાગ: ₹5.14 કરોડના કામોનું લોકાર્પણ.

આ તમામ વિકાસકામો દ્વારા નવસારી શહેર અને જિલ્લાને કુલ ₹753 કરોડથી વધુના 240 પ્રકલ્પોની ભેટ આપવામાં આવી હતી.

નવસારીમાં વિકાસ ભી, વિરાસત ભી મંત્રનો સંગમ

નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત સમારોહને સંબોધતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, જ્યાં મહાત્મા ગાંધીજીએ એક ચપટી મીઠાને આઝાદીની લડાઈનું પ્રતીક બનાવ્યું, તેવી ઐતિહાસિક ધરતી નવસારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા ‘વિકાસ ભી, વિરાસત ભી’ મંત્રનો સાર્થક સંગમ જોવા મળે છે.

એક તરફ દાંડીનો ગૌરવશાળી ઈતિહાસ અને સદીઓ જૂની સાંસ્કૃતિક વિરાસત છે, તો બીજી તરફ નવસારી જિલ્લો વિકાસના પથ પર સતત આગળ વધી રહ્યો છે. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, નવા વર્ષના પ્રારંભે આરોગ્ય, શિક્ષણ, માર્ગ-પુલ નિર્માણ, દરિયાઈ ધોવાણથી સંરક્ષણ તેમજ શહેરી અને ગ્રામ્યસુખાકારીના વિવિધ વિકાસકામોની ભેટ આપવામાં આવી છે.