Navsari News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા દાહોદ જિલ્લામાં 72 કલાક આદિવાસી વિસ્તારમાં ગાળ્યા બાદ રાજ્ય સરકારના 72 કલાકના વિધાનસભા પ્રવાસ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર તથા ગ્રામ વિકાસ મંત્રી કુંવરજી બાવળિયા નવસારી જિલ્લાના વાંસદા વિધાનસભા વિસ્તારનો 26થી 28 નવેમ્બર પ્રવાસ કરશે. જ્યારે રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ડૉ. જયરામ ગામીત 27થી 29 નવેમ્બર દરમિયાન ગણદેવી વિધાનસભા વિસ્તારના પ્રવાસે આવશે. જેમાં જન સુનાવણી અને જાહેર ફરિયાદ નિવારણ સહિતના કાર્યક્રમો યોજાશે.
26થી 28 નવેમ્બર કુંવરજી બાવળિયા વાંસદા વિધાનસભાના પ્રવાસે
રાજ્ય મંત્રી કુંવરજી બાવળિયાના 26થી 28 નવેમ્બરના વાંસદા વિધાનસભા મતવિસ્તારના પ્રવાસ દરમિયાન 27 નવેમ્બરના રોજ મંત્રી દ્વારા વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ, સરકારી યોજનાઓ, પડતર કામો, કાયદો અને વ્યવસ્થા તેમજ પંચાયત સેવાઓ સહિતના મુદ્દે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે, જેમાં સંકલનના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. સંકલન બેઠક બાદ બપોરે 3 થી 6 કલાક દરમિયાન પ્રાંત કચેરી, વાંસદા ખાતે મંત્રીના અધ્યક્ષસ્થાને જાહેર જન સુનાવણી અને ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી તેમજ જિલ્લાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહેશે.
આ કેમ્પમાં 177-વાંસદા વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારના નાગરિકો અને અરજદારો કોઈપણ વિષય બાબતે અથવા કોઈપણ સરકારી વિભાગને લગતા પોતાના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરી શકશે. જે અરજદારો અગાઉથી પોતાની અરજી આપવા માંગતા હોય તેઓ 26 નવેમ્બર 2026 સુધી મામલતદાર કચેરી, વાંસદા અને ખેરગામ ખાતે પોતાની અરજી જમા કરાવી શકશે. આ ઉપરાંત, જે અરજદારો કેમ્પના દિવસે એટલે કે 27 નવેમ્બરના રોજ રૂબરૂ આવીને રજૂઆત કરવા માંગતા હોય તેઓ પણ સીધા જ ઉપસ્થિત રહીને મંત્રી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે. આ કેમ્પમાં રજૂ થનાર તમામ પ્રશ્નો અને રજૂઆતોની સત્તાવાર નોંધણી કરવામાં આવશે તથા વહીવટી તંત્ર દ્વારા દર અઠવાડિયે તેની સમીક્ષા કરીને પ્રશ્નોનો અંતિમ નિકાલ લાવવામાં આવશે.
27થી 29 નવેમ્બર જયરામ ગામીત ગણદેવી વિધાનસભાના પ્રવાસે
રાજ્યના મંત્રી જયરામ ગામીતના 27થી 29 નવેમ્બરના ગણદેવી વિધાનસભા મત વિસ્તારના પ્રવાસ દરમિયાન 28 નવેમ્બરના રોજ મંત્રી દ્વારા વિધાનસભા મતવિસ્તારના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સ, સરકારી યોજનાઓ, પડતર કામો, કાયદો અને વ્યવસ્થા તેમજ મ્યુનિસિપલ અને પંચાયત સેવાઓ સહિતના મુદ્દે જિલ્લા વહીવટી તંત્ર સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાશે, જેમાં સંકલનના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. આ બેઠક પૂર્ણ થયા બાદ બપોરે 3થી 6 વાગ્યા દરમિયાન મંત્રીના અધ્યક્ષસ્થાને જાહેર જન સુનાવણી અને ફરિયાદ નિવારણ કેમ્પ યોજાશે. આ કેમ્પમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક તેમજ જિલ્લાના તમામ લાઈન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ ઉપસ્થિત રહેશે.
આ કેમ્પમાં 176-ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તારના નાગરિકો અને અરજદારો કોઈપણ વિષય બાબતે અથવા કોઈપણ સરકારી વિભાગને લગતા પોતાના વ્યક્તિગત કે સામૂહિક પ્રશ્નો મંત્રી સમક્ષ રજૂ કરી શકશે.જે અરજદારો અગાઉથી પોતાની અરજી આપવા માંગતા હોય તેઓ 27 નવેમ્બર 2026 સુધી મામલતદાર કચેરી, ગણદેવી અને ચીખલી ખાતે પોતાની અરજી જમા કરાવી શકશે. આ ઉપરાંત, જે અરજદારો કેમ્પના દિવસે એટલે કે 28 નવેમ્બરના રોજ રૂબરૂ આવીને રજૂઆત કરવા માંગતા હોય તેઓ પણ સીધા જ ઉપસ્થિત રહીને મંત્રી સમક્ષ પોતાની રજૂઆત કરી શકશે. આ કેમ્પમાં રજૂ થનાર તમામ પ્રશ્નો અને રજૂઆતોની સત્તાવાર નોંધણી કરવામાં આવશે તથા વહીવટી તંત્ર દ્વારા દર અઠવાડિયે તેની સમીક્ષા કરીને પ્રશ્નોનો અંતિમ નિકાલ લાવવામાં આવશે.
