Sagbara Forest Land Agitation: સાંસદ મનસુખ વસાવાએ વન વિભાગ સામે મોરચો ખોલ્યો, કહ્યું- 'ખેડૂતોને તાત્કાલિક ખેડાણ કરવાની મંજૂરી મળે'

નર્મદાના સાગબારામાં જંગલ જમીન ખેડાણ વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જ્યાં સાંસદ મનસુખ વસાવાએ આંદોલનકારી ખેડૂતોને સમર્થન આપ્યું. તેમણે વન વિભાગની કામગીરી પર સવાલ ઉઠાવી ખેડૂતોને તાત્કાલિક ખેડાણની મંજૂરી આપવાની માંગ કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Mon, 24 Aug 2026 06:01 PM (IST)Updated: Mon, 24 Aug 2026 06:01 PM (IST)
sagbara-forest-land-agitation-mp-mansukh-vasava-battles-gujarat-forest-department

Sagbara Forest Land Agitation: નર્મદા જિલ્લાના સાગબારા ખાતે જંગલ જમીન ખેડાણના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. આ આંદોલનના 17મા દિવસે ભાજપના વરિષ્ઠ સાંસદ મનસુખ વસાવાએ ઘટનાસ્થળે પહોંચીને આંદોલનકારી ખેડૂતોની મુલાકાત લીધી હતી અને તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

હક દાવો બાજુ પર રાખો, માત્ર ખેડાણ મંજૂર કરો

આ મુલાકાત દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ ફોરેસ્ટ વિભાગ (વન વિભાગ) અને ડીએફઓ (DFO) અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે, વિવાદાસ્પદ જમીન પર વન વિભાગ દ્વારા બળજબરીથી રોપા રોપવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેને કારણે સ્થાનિક આદિવાસીઓ અને ખેડૂતોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

તંત્રને ચેતવણી આપતા તેમણે જણાવ્યું કે, સ્થાનિક લોકો જો ધારે તો વન ખાતાના કર્મચારીઓને જંગલમાં ફરકવા પણ ન દે, પરંતુ આગેવાનો અને તેઓ પોતે લોકોને સમજાવીને ગાંધીચીંધ્યા માર્ગે શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે. સાંસદે સ્પષ્ટ માંગણી કરી છે કે હાલ જમીન હક દાવાની લાંબી પ્રક્રિયા બાજુ પર રાખીને ખેડૂતોને તાત્કાલિક ધોરણે ખેડાણ કરવાની મંજૂરી આપવામાં આવે.

સરકાર દ્વારા મોટા નિર્ણયની શક્યતા

સાંસદ મનસુખ વસાવાએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, આગામી 25 કે 26 ઓગસ્ટ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા આ ગંભીર મુદ્દે કોઈ મોટો અને હકારાત્મક નિર્ણય લેવામાં આવી શકે છે. મુખ્યમંત્રી સાગબારાના ખેડૂતોના હિતમાં યોગ્ય, ન્યાયી અને સંતોષકારક નિર્ણય લેશે તેવી પ્રબળ શક્યતા તેમણે વ્યક્ત કરી છે.