Sagbara Forest Land Agitation: ખેડૂત આંદોલનનો 23મો દિવસ, ભાજપ-કોંગ્રેસ અને આપના આદિવાસી નેતાઓ એકમંચ પર આવ્યા

સાગબારામાં જંગલ જમીનના ખેડાણ મુદ્દે 23 દિવસથી ચાલતા આંદોલનમાં ભાજપ, કોંગ્રેસ અને આપના આદિવાસી નેતાઓ એક મંચ પર આવ્યા. સાંસદ મનસુખ વસાવાએ મંત્રીઓની મુલાકાત અને પેન્ડિંગ દાવા મંજૂર થવાની જાહેરાત કરતા લીલાબેન વસાવા સોમવારે ઉપવાસ પારણાં કરવા સંમત થયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 30 Aug 2026 08:40 PM (IST)Updated: Sun, 30 Aug 2026 08:40 PM (IST)
narmada-news-sagbara-forest-land-agitation-near-success-as-tribal-leaders-unite-across-parties

Sagbara Forest Land Agitation: સાગબારામાં જંગલ જમીનના ખેડાણ અને ખેડૂતોના પડતર દાવાઓના મુદ્દે ચાલી રહેલા ધરણા આંદોલનના 23મા દિવસે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક વળાંક આવ્યો છે. ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અન્ય પક્ષોના આદિવાસી નેતાઓ રાજકીય મતભેદો બાજુ પર મૂકીને આ આંદોલનના સમર્થનમાં એક જ મંચ પર આવ્યા હતા.

ધરણા સ્થળે ભાજપના સાંસદ મનસુખ વસાવા, કોંગ્રેસના નેતા સંદીપ માંગરોલા, આગેવાન મહેશ વસાવા અને આમ આદમી પાર્ટીના ડો. દયારામ વસાવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ મોટી જાહેરાત કરતા જણાવ્યું કે, આગામી સોમવારે રાજ્યના વન મંત્રી પ્રવીણ માળી, આદિજાતિ કલ્યાણ મંત્રી નરેશ પટેલ અને પ્રભારી મંત્રી ઈશ્વર પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ સાગબારા-ખોપીની વિશેષ મુલાકાત લેશે.

સાંસદ વસાવાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે ખેડૂતોના તમામ મહત્વના મુદ્દાઓ મંત્રીઓ સમક્ષ સફળતાપૂર્વક રજૂ કરવામાં આવ્યા છે અને પેન્ડિંગ દાવાઓને મંજૂર કરવાનો સૈદ્ધાંતિક નિર્ણય લેવાયો છે. ગુજરાતભરમાં જેટલા પણ ખેડૂતોના જમીન દાવાઓ પેન્ડિંગ છે, તેમને પૂરતા પુરાવાઓના આધારે ન્યાય અને લાભ મળે તે દિશામાં પણ સરકાર હકારાત્મક પગલાં ભરશે. આ આંદોલનને કારણે અંદાજે 70 થી 80 હજાર જેટલા ખેડૂતોને કાયદાકીય અને પુરાવા આધારિત લાભ મળી શકશે.

આંદોલન દરમિયાન અડગ મનોબળ દાખવનાર લીલાબેન વસાવાને અભિનંદન પાઠવતાં સાંસદે જણાવ્યું હતું કે, આ સફળતાનો યશ લીલાબેન વસાવા અને સાગબારાના તમામ મહેનતુ ખેડૂતોને જાય છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ સમગ્ર મુદ્દે ટેલિફોનિક ચર્ચા કરી હોવાનું તેમણે ઉમેર્યું હતું.

સાંસદના આ નિવેદન અને ખાતરી બાદ સાગબારા વિસ્તારમાં ખેડૂતો દ્વારા ઉત્સાહપૂર્વક ખેડાણની શરૂઆત કરી દેવામાં આવી છે. પેન્ડિંગ દાવાઓની મંજૂરી અને ખેડૂતોને ખેડાણની મંજૂરી આપવાની મુખ્ય શરતે લીલાબેન વસાવા આગામી સોમવારે પોતાના ઉપવાસના પારણાં કરવા માટે સંમત થયા છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ખેડૂતોને ન્યાય મળે અને તેમના હકો સુરક્ષિત થાય તો હું પારણાં કરવા સંપૂર્ણપણે તૈયાર છું.

આગામી સોમવારે પ્રધાનોની વિશેષ ઉપસ્થિતિમાં લીલાબેન વસાવા સહિતના ખેડૂતો પારણાં કરશે અને આ લાંબા આંદોલનનો સુખદ અંત લાવવામાં આવશે. આ જાહેરાત સાંભળતા જ ધરણા સ્થળે ઉપસ્થિત હજારો ખેડૂતોના ચહેરા પર ખુશી અને સંતોષ જોવા મળ્યો હતો.

ગત 8 ઓગસ્ટથી શરૂ થયેલા આ સંઘર્ષમાં લીલાબેન વસાવા સતત 23 દિવસ સુધી અડગ રહીને લડત લડ્યા હતા. આ સમગ્ર સફળ પરિણામ અને મહત્વપૂર્ણ નિર્ણય બદલ તેમણે સાંસદ મનસુખ વસાવા તેમજ તમામ સહયોગી નેતાઓનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાગબારાના ખેડૂતોની આ જીતથી સમગ્ર આદિવાસી પંથકમાં આનંદની લહેર દોડી ગઈ છે.