Narmada: નર્મદા જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામોએ સત્તાધારી પક્ષ ભાજપની ચિંતા વધારી દીધી છે. વર્ષ 2021માં જે જિલ્લામાં ભાજપનું એકચક્રી શાસન હતું, ત્યાં 2026માં આમ આદમી પાર્ટીએ (AAP) ભવ્ય વિજય મેળવ્યો છે.
નર્મદા જિલ્લા પંચાયતની 22 બેઠકો સહિત ગરૂડેશ્વર, ડેડીયાપાડા, ચીકદા અને સાગબારા તાલુકા પંચાયતોમાં AAPએ સ્પષ્ટ બહુમતી મેળવતા ભાજપ હચમચી ગયું છે. જેને લઈને ભાજપ સાંસદ મનસુખ વસાવાએ 'આપ' પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો છે.
મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટીએ ખોટા પ્રચારના સહારે આદિવાસી ભોળી પ્રજાને ઉલ્લુ બનાવીને મતો મેળવ્યા છે. ચૈતર વસાવા ભીલ પ્રદેશની માંગણી જેવા ભાવનાત્મક મુદ્દાઓ ઉઠાવી લોકોને ગુમરાહ કરી રહ્યા છે. જનતા તેમની ભ્રામક વાતોમાં આવી ગઈ છે, જેના કારણે ભાજપે સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે.
મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર પ્રહાર કરતા કહ્યું કે, લોકોને ડરાવવા અને ધમકાવવા એ તેમની સ્ટાઈલ છે. તેઓ અત્યારે કેટલાક લોકોનો હાથો બનીને રમી રહ્યા છે. હવે જ્યારે તેમની પાસે સત્તા આવી છે, ત્યારે આ વિસ્તારમાં દાદાગીરી અને ગુંડાગીરી વધવાની પૂરેપૂરી શક્યતા છે.
હારની જવાબદારી અને ભવિષ્યનો પડકાર
એક તરફ મનસુખ વસાવા આક્રમક છે, તો બીજી તરફ જિલ્લા પ્રમુખ નિલ રાવે હારની નૈતિક જવાબદારી સ્વીકારી છે. ભાજપે બુથ લેવલ સુધીની કામગીરી કરી હોવા છતાં થયેલો આ પરાજય પક્ષ માટે આત્મમંથનનો વિષય બન્યો છે. 2021માં મેળવેલી તમામ બેઠકો 2026માં ગુમાવતા હવે ભાજપે પાયાના સ્તરેથી ફેરફાર કરવા પડશે.
