પરેશ ગોસ્વામીની આગાહીઃ ઓગસ્ટમાં મેઘરાજા તોફાની બેટિંગ કરશે, વરસાદના 3 રાઉન્ડમાં ગુજરાત તરબોળ થશે

ઓગસ્ટ મહિનામાં ભારે પવનની સાથે વરસાદ પડવાનો હોવાથી ઊંચાઈ વાળા પાકને નુકસાનની શક્યતા રહેશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 May 2026 10:47 PM (IST)Updated: Fri, 01 May 2026 10:47 PM (IST)
paresh-goswami-ni-aagahi-august-to-bring-thunderstorms-3-rain-rounds-expected
HIGHLIGHTS
  • 30 ઓગસ્ટથી શરૂ થતો વરસાદનો ત્રીજો રાઉન્ડ 10 દિવસ સુધી ચાલી શકે

Paresh Goswami Ni Aagahi: અત્યારે ઉનાળો ચરમ પર છે, ત્યારે ગુજરાતના ઘણા ખરા ભાગોમાં કાળઝાળ ગરમી અને અસહ્ય બફારાથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી આ વર્ષે ચોમાસાને લઈને તબક્કાવાર પોતાનું પુર્વાનુમાન વ્યક્ત કરી રહ્યા છે. અગાઉ તેમણે જૂન અને જુલાઈ મહિનામાં વરસાદ કેવો રહેશે? થેને લઈને વરતારો જાહેર કર્યો હતો. હવે તેમણે ઓગસ્ટ મહિનામાં ચોમાસાને લઈને મહત્ત્વની આગાહી કરી છે.

પરેશ ગોસ્વામીના જણાવ્યા પ્રમાણે, આ વર્ષનો ઓગસ્ટ મહિનો ગુજરાત માટે વરસાદની દ્રષ્ટિએ ખૂબ જ આશાસ્પદ અને નિર્ણાયક સાબિત થશે. આ મહિના દરમિયાન મુખ્યત્વે વરસાદના ત્રણ રાઉન્ડ આવવાની શક્યતા છે, જે રાજ્યમાં પાણીની અછત દૂર કરવામાં મદદરૂપ થશે.

ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડી શકે

ઓગસ્ટ મહિનાની શરૂઆતમાં એટલે કે 2 થી 10 ઓગસ્ટ દરમિયાન વરસાદનો પ્રથમ રાઉન્ડ આવશે. આ સમયગાળામાં ગુજરાતના અંદાજે 70 થી 75 વિસ્તારોમાં મધ્યમથી સારો વરસાદ થવાની સંભાવના છે. આ રાઉન્ડ દરમિયાન ગાજવીજનું પ્રમાણ વધારે જોવા મળી શકે છે.

જ્યારે ઓગસ્ટ મહિનાની મધ્યમાં એટલે કે 15 થી 25 ઓગસ્ટ દરમિયાન વરસાદનો બીજો રાઉન્ડ આવશે. જેમાં તોફાની પવનની સાથે-સાથે સાર્વત્રિક વરસાદ થવાની શક્યતા છે. આથી જે ખેડૂતોને જૂન-જુલાઈ મહિનામાં પુરતા પાણીની વ્યવસ્થા ના થઈ હોય, તેમના માટે ઓગસ્ટનો વરસાદ આશીર્વાદરૂપ સાબિત થશે. જો કે પવનની ગતિ વધારે રહેવાની શક્યતાને જોતા ઊંચાઈ વાળા પાકને નુકસાનની શક્યતા પણ નકારી ના શકાય.

આ સિવાય ઓગસ્ટ મહિનામાં વરસાદનો ત્રીજો રાઉન્ડ 30 ઓગસ્ટથી શરૂ થશે, જે અઠવાડિયાથી 10 દિવસ સુધી ચાલી શકે છે. આ રાઉન્ડમાં અતિવૃષ્ટિના રૂપમાં વરસાદ વરસી શકે છે, જેના કારણે અનેક વિસ્તારોમાં નુકસાન થવાની શક્યતા રહેશે.