Narmada: નર્મદા જિલ્લામાં વડાપ્રધાન મોદીના કાર્યક્રમના ખર્ચને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વચ્ચેનું વાકયુદ્ધ હવે રાજકીય અને વહીવટી સ્તરે ચરમસીમાએ પહોંચી ગયું છે. ચૈતર વસાવા દ્વારા કથિત રીતે 75 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હોવાના આક્ષેપ બાદ બંને નેતાઓ સામસામે આવી ગયા છે.
સાંસદ મનસુખ વસાવાએ અગાઉ પત્રકાર પરિષદમાં આક્ષેપ કર્યો હતો કે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વડાપ્રધાન મોદીના કાર્યક્રમ બાદ હિસાબના નામે 75 લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ નિવેદન બાદ ચૈતર વસાવા પોતાના સમર્થકો સાથે નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં તે સમયે કલેક્ટર સંજય મોદીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, આવી કોઈ માંગણીની વાત નથી.
કલેક્ટરના આ નિવેદનથી મનસુખ વસાવા રોષે ભરાયા હતા અને પોતે સાચા હોવાનું દાવો કરતાં ભાજપ છોડવાની ધમકી પણ આપી હતી. આખરે આજે સાંસદ મનસુખ વસાવા જિલ્લા ભાજપ અધ્યક્ષ નીલ રાવ સાથે ફરી નર્મદા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા.
જ્યાં કલેક્ટર સંજય મોદીએ ઓન કેમેરા સ્વીકાર્યું હતું કે, ચૈતર વસાવા દ્વારા પૈસા માંગ્યાની વાત કેવડિયા હેલિપેડ પર કાર્યપાલક ઇજનેરે કહી હતી આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
જો કે કલેક્ટરે સ્પષ્ટ કર્યું છે કે, તેમની ચેમ્બરમાં આવી કોઈ વાત થઈ નહોતી, પરંતુ હેલિપેડ પર એક્ઝિક્યુટિવ ઇજનેર અને અન્ય અધિકારીઓ સાથે ચર્ચા દરમિયાન 75 લાખની માંગણીની માહિતી મળી હતી. આ માંગણી સીધી તેમની પાસે નહીં પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો મારફતે કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
બીજી તરફ ચૈતર વસાવાએ ગંભીર આરોપ લગાવતા જણાવ્યું કે, ભાજપના નેતાઓના દબાણ અને EDની ધમકીના કારણે કલેક્ટરે પોતાનું નિવેદન બદલ્યું છે. તેમનો દાવો છે કે, 24 ડિસેમ્બરે કલેક્ટરે ખુદ સ્વીકાર્યું હતું કે આવી કોઈ વાત નથી અને હવે રાજકીય દબાણ હેઠળ સ્ક્રિપ્ટ તૈયાર કરવામાં આવી છે. ચૈતર વસાવાએ આ સમગ્ર મામલે CID તપાસની માંગ કરી છે અને કહ્યું છે કે તેમની રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
