Vadodara: બુલેટ ટ્રેન ગર્ડરના લૉન્ચિંગ માટે અલકાપુરી ગરનાણું 18 દિવસ બંધ રહેશે, વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ અપાયો

આગામી 12 જાન્યુઆરી, 2026 સુધી અલકાપુરી, ફતેગંજ, સયાજીગંજ, કાલાઘોડા, રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં અવરજવર કરતાં વાહન ચાલકોએ જેતલપુર બ્રિજનો ઉપયોગ કરવો પડશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 26 Dec 2025 09:05 PM (IST)Updated: Fri, 26 Dec 2025 09:05 PM (IST)
vadodara-news-alkapuri-railway-garnala-shut-for-traffic-due-to-bullet-train-work
HIGHLIGHTS
  • વડોદરા પોલીસ કમિશનરનું જાહેરનામું પ્રસિદ્ધ
  • દરરોજ લાખો નાગરિકોને હાલાકી પડશે

Vadodara: વડોદરા શહેરના અલકાપુરી વિસ્તારમાં આવેલા મહત્વના અલકાપુરી ગરનાળું આગામી 18 દિવસ માટે સંપૂર્ણ રીતે બંધ રાખવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત ગડર (ગર્ડર) લોન્ચિંગની કામગીરી હાથ ધરવામાં આવતી હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે વડોદરા શહેરના પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર જાહેર કર્યો છે.

પોલીસ કમિશનરના જાહેરનામા મુજબ, મુંબઈ–અમદાવાદ હાઇસ્પીડ રેલ પ્રોજેક્ટના C-5 પેકેજ હેઠળ અલકાપુરી ગરનાળાની આસપાસ ગડર લોન્ચિંગની કામગીરી થવાની છે. આ કામગીરી દરમિયાન વાહનચાલકો તથા નાગરિકોની સુરક્ષા માટે અલકાપુરી ગરનાળું તા. 26/12/2024 થી તા. 12/01/2025 સુધી, કુલ 18 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન અલકાપુરી ગરનાળાથી પસાર થતા તમામ પ્રકારના વાહનો માટે અવરજવર પર પ્રતિબંધ રહેશે.

આ નિર્ણયના કારણે વડોદરા શહેરના લાખો નાગરિકોને દૈનિક આવાગમનમાં મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને અલકાપુરી, ફતેગંજ, સયાજીગંજ, કાલાઘોડા, રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારોમાં જતા આવતાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવો પડશે. જાહેરનામામાં સ્પષ્ટ કરાયું છે કે ટ્રાફિકને સરળ બનાવવા માટે તાત્કાલિક વૈકલ્પિક ટ્રાફિક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

અલકાપુરી ગરનાળું બંધ રહેતા વાહનચાલકો જેતલપુર બ્રિજ મારફતે અવરજવર કરી શકશે. ઉપરાંત, અન્ય વૈકલ્પિક માર્ગો પર ટ્રાફિક પોલીસ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે, જેથી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય નહીં. શહેર પોલીસ દ્વારા વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ જાહેર કરાયેલા માર્ગોનો જ ઉપયોગ કરે અને ટ્રાફિક નિયમોનું પાલન કરે.

પોલીસ કમિશનરે જણાવ્યું છે કે ગડર લોન્ચિંગ જેવી જોખમી અને મહત્વની કામગીરીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. નાગરિકોની સલામતી સર્વોપરી હોવાથી આ તાત્કાલિક વ્યવસ્થા જરૂરી બની છે. આ સાથે જ તેમણે નાગરિકોને સહકાર આપવા અને શક્ય હોય ત્યાં સુધી આ વિસ્તારમાં અનાવશ્યક અવરજવર ટાળવા અપીલ કરી છે.

આ જાહેરનામું અમલમાં રહે તે દરમિયાન ટ્રાફિક વિભાગ સતત નજર રાખશે અને જરૂરી હોય ત્યાં તાત્કાલિક ફેરફાર પણ કરવામાં આવશે, તેમ પોલીસ તંત્ર દ્વારા જણાવાયું છે.