Narmada: ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના પત્ની શકુંતલાબેન વસાવાને મળેલી સાત વર્ષની જેલની સજાના મુદ્દે ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. આમ આદમી પાર્ટી (AAP)એ આ ચુકાદાને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને રાજ્યવ્યાપી આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. AAPના વરિષ્ઠ નેતા અને ગુજરાત પ્રભારી ગોપાલ રાયે આદિવાસી નેતાના સમર્થનમાં ત્રણ તબક્કામાં 'સપોર્ટ માર્ચ' યોજવાની જાહેરાત કરી છે.
ગોપાલ રાયે પત્રકાર પરિષદમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું કે, ચૈતર વસાવા આદિવાસી સમાજના હક્ક, જંગલ અને જમીન માટે અવાજ ઉઠાવતા હતા, તેથી ભાજપ સરકાર તેમની લોકપ્રિયતાથી ડરીને તેમને નિશાન બનાવી રહી છે. તેમણે આ કાર્યવાહીને લોકશાહી પરનો હુમલો ગણાવ્યો હતો.
પાર્ટી દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ 26 જૂનના રોજ રાજ્યના તમામ જિલ્લાઓમાં 'સપોર્ટ માર્ચ' યોજાશે. 28 જૂનના રોજ રાજ્યની તમામ વિધાનસભા બેઠકો પર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. 30 જૂનના રોજ રાજ્યભરમાં વોર્ડ, તાલુકા અને જિલ્લા પંચાયત સ્તરે અંદાજે 1000 સ્થળોએ વિશાળ સપોર્ટ માર્ચ યોજાશે.
ચૈતર વસાવાની પત્ની 17 દિવસના નવજાત શિશુ સાથે જેલમાં રહેવા મજબૂર
આ સાથે જ ગોપાલ રાયે ભાવનાત્મક મુદ્દો ઉઠાવતા કહ્યું કે, ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન તેમના 17 દિવસના નવજાત શિશુ સાથે જેલમાં છે, જે માનવતાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ બાબત છે. તેમણે દાવો કર્યો કે આ લડાઈ હવે માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર ગુજરાતમાં દમન અને અન્યાય વિરુદ્ધનું જનઆંદોલન બની ચૂકી છે.
આ જાહેરાત બાદ ગુજરાતમાં રાજકીય માહોલ ગરમાયો છે. આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાનો મજબૂત જનાધાર હોવાથી, આ આંદોલન આગામી દિવસોમાં કેટલું વ્યાપક સ્વરૂપ ધારણ કરે છે અને સરકાર પર તેની કેટલી અસર પડે છે, તે જોવું મહત્વનું રહેશે.
