Gujarat Assembly Election: આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સત્તાધારી પક્ષ ભાજપ અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટી અને શંકરસિંહ વાઘેલાની 'પ્રજાશક્તિ પાર્ટી'એ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવવા તૈયારીઓ તેજ કરી દીધી છે. ચૂંટણી વ્યૂહરચનાના ભાગરૂપે ભાજપે તરુણ ચુઘને અને કોંગ્રેસે રણદીપ સુરજેવાલાને પોતાના નવા ચૂંટણી પ્રભારી તરીકે નિયુક્ત કર્યા છે.
ભાજપ અને કોંગ્રેસની નવી પ્રભારી નિયુક્તિઓ થઇ
ભારતીય જનતા પાર્ટીએ પૂર્વ સાંસદ અને સંઘીય વિચારધારા ધરાવતા દિગ્ગજ નેતા તરુણ ચુઘને ગુજરાતના પ્રભારી બનાવ્યા છે. ચુઘ અગાઉ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ જેવા સંવેદનશીલ વિસ્તારોનું સફળ સંચાલન કરી ચૂક્યા છે. બીજી તરફ, કોંગ્રેસે સાંસદ મુકુલ વાસનિકના સ્થાને રણદીપ સુરજેવાલાને પ્રભારીપદ સોંપ્યું છે. 2017ની ચૂંટણીમાં મહત્વની ભમિકા ભજવનાર અશોક ગેહલોત અને સુરજેવાલાની જોડીને કોંગ્રેસે ફરી સક્રિય કરી છે. તાજેતરમાં ગેહલોતે ગુજરાત પ્રવાસ કરીને જાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો ઉઠાવ્યો હતો.
'Gen Z' મતદારોને આકર્ષવા અને 'આપ'ની સક્રિયતા
બંને મુખ્ય પક્ષો Gen Z અને યુવા મતદારો પર ખાસ લક્ષ્ય રાખી રહ્યા છે. રાહુલ ગાંધીની વિદ્યાર્થીઓ સાથેની મુલાકાતો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ વિદ્યાર્થીઓ સાથે 'સચ્ચાઈ કી ગૂંજ' કાર્યક્રમ યોજ્યો હતો. બીજી તરફ, આમ આદમી પાર્ટી પોતાના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ વચ્ચે દક્ષિણ ગુજરાત અને ભરૂચ-નર્મદા પટ્ટામાં પ્રભાવ જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે. ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં સક્રિય પ્રવાસ કરી રહ્યા છે.
શંકરસિંહ વાઘેલાની તમામ 182 બેઠકો પર લડવાની જાહેરાત
પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જાહેરાત કરી છે કે તેઓ પોતાની 'પ્રજાશક્તિ પાર્ટી'ના નેજા હેઠળ તમામ 182 બેઠકો પર ઉમેદવારો ઉતારશે. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ છ મહિના સુધી કોંગ્રેસ તરફથી પ્રતિસાદની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે કોંગ્રેસમાં જોડાવાનો સમય વીતી ગયો છે. વાઘેલાએ ઉમેર્યું કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ભાજપને સત્તા પરથી હટાવવાનો છે અને મતોના વિભાજનની ચિંતા અન્ય પક્ષોએ કરવાની રહે છે.
