Narmada Forest Land Row: ખેડૂત નેતાઓના સમર્થનમાં કોંગ્રેસ મેદાનમાં ઉતરતા સરકાર એક્શનમાં, રક્ષાબંધન બાદ મંત્રી અને પ્રભારી સાગબારા જશે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 26 Aug 2026 10:10 PM (IST)Updated: Wed, 26 Aug 2026 10:10 PM (IST)
narmada-forest-land-row-congress-fierce-warning-amid-farmer-protests-ministers-to-visit-sagbara-after-rakshabandhan


Narmada Forest Land Row: નર્મદા જિલ્લાના સાગબારા અને ઉમરપાડા વિસ્તારમાં ચાલી રહેલો જંગલ જમીનનો વિવાદ હવે અત્યંત ગંભીર તબક્કે પહોંચ્યો છે. લાંબા સમયથી જમીનના હક અને ખેડાણને લઈને વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા મેદાને આવ્યા છે.

કોંગ્રેસ નેતાએ ધરણા સ્થળે પહોંચીને સરકાર સામે આક્રમક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આવતીકાલથી ખેડૂતો પોતાની જમીન પર ખેડાણ શરૂ કરશે. જો તંત્ર દ્વારા ખેડૂતોને રોકવામાં આવશે, તો સૌપ્રથમ કોંગ્રેસના આગેવાનો સામે કાર્યવાહી કરવી પડશે અને જરૂર પડે તો પહેલા અમને ગોળી મારવી પડશે.

કોંગ્રેસ નેતાએ સરકારને પડકાર ફેંકતા સવાલ ઉઠાવ્યો હતો કે, જે ખેડૂતોને કાયદેસર રીતે જમીનની સનદો આપવામાં આવી છે, તેમને જમીન ખેડતા અટકાવવાનો શું આધાર છે? મુખ્યમંત્રી વિદેશ પ્રવાસથી પરત ફરે ત્યારબાદ જ બેઠક મળશે અને નિર્ણય લેવાશે તેવા વહીવટી વલણ સામે તેમણે રોષ વ્યક્ત કર્યો હતો કે, ત્યાં સુધી શું ખેડૂતો ધરણા પર જ બેસી રહેશે? આ આક્રમક નિવેદનને કારણે સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે રાજકીય તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ તરફ વિવાદ વકરતા સરકાર પણ સક્રિય થઈ છે અને ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે. આદિજાતિ વિભાગના મંત્રી નરેશ પટેલના નિવાસસ્થાને સાંસદ મનસુખ વસાવા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિશેષ ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ રહી છે. આ બેઠકમાં સાગબારા અને ઉમરપાડાના આદિજાતિ ખેડૂતોના પ્રશ્નો, જમીનના દસ્તાવેજો, સનદની કાયદેસરતા અને ખેડાણના અધિકારો અંગે ગંભીર મંથન ચાલી રહ્યું છે.

હાલ આ વિવાદના કેન્દ્રમાં જમીનની માલિકી અને વાસ્તવિક ખેડાણનો અધિકાર મુખ્ય મુદ્દો બન્યો છે. ખેડૂતોનો દાવો છે કે સનદ હોવા છતાં તેમને જમીનનો વ્યવહારિક કબજો મળતો નથી. બીજી તરફ કોંગ્રેસની આક્રમક જાહેરાત અને સરકારની બેઠકો વચ્ચે સાગબારામાં આંદોલન કરી રહેલા ખેડૂતોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકાર વતી રાજ્ય વન મંત્રી પ્રવીણ માળી અને પ્રભારી મંત્રી ઈશ્વરસિંહ પટેલ આગામી રક્ષાબંધન પર્વની ઉજવણી બાદ સાગબારાની મુલાકાતે જશે.

આ મુલાકાત દરમિયાન બંને મંત્રીઓ સ્થાનિક વહીવટી અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજશે. જે બાદ તેઓ આંદોલનકર્તા ખેડૂતો સાથે પ્રત્યક્ષ બેઠક યોજીને તેમની સમસ્યાઓ સાંભળશે અને સરકાર સ્તરે યોગ્ય નિરાકરણ લાવવા માટે સઘન ચર્ચા હાથ ધરશે.