Narmada: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને પગલે રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપ દ્વારા ઝંઝાવાતી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત આજે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ભદામ તથા ગરુડેશ્વર તાલુકાના ખડગદા ખાતે જનસભાને સંબોધન કરીને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યાં હતા.
આ તકે સંબોધન કરતાં જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નિર્માણ થકી વડાપ્રધાન મોદીએ ભારતનું ગૌરવ વિશ્વ સ્તરે વધાર્યું છે. જે નર્મદા ડેમનું સપનું સરદાર પટેલે જોયું હતું, તેને પૂર્ણ કરવાની પ્રબળ રાજકીય ઈચ્છાશક્તિ સાથે વડાપ્રધાને દાખવીને તેને પૂર્ણ કર્યો છે.
ભૂતકાળમાં કોંગ્રેસના ઇરાદાપૂર્વકના અવરોધક વલણને કારણે ડેમની ઊંચાઈ વધારવામાં જે વિલંબ થયો અને લાખો ક્યુસેક પાણી વહી જતું હતું, ત્યારે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યાના માત્ર 17 જ દિવસમાં દરવાજા લગાવવાની મંજૂરી આપીને ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમનું કાર્ય પૂર્ણ કર્યું છે.
આજે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ પ્રવાસન ક્ષેત્રે સહેલાણીઓ માટે પસંદગીનું સ્થાન બન્યું છે. કેવડિયામાં પિન્ક રિક્ષા દ્વારા બહેનો આત્મનિર્ભર બની છે અને પ્રવાસનના વિકાસથી મોટા પ્રમાણમાં રોજગારીનું સર્જન થયું છે.
વિપક્ષની નકારાત્મક માનસિકતા પર આકરા પ્રહાર કરતા ભાજપ પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, કોંગ્રેસ માત્ર ચૂંટણી ટાણે દેખાતી અને ત્યારબાદ અદ્રશ્ય થઈ જતી પાર્ટી છે. જેમણે નારીશક્તિ વંદન અધિનિયમનો વિરોધ કરીને દેશની 70 કરોડ મહિલાઓનું અપમાન કર્યું છે, તેમને હવે રાજ્યની માતા-બહેનો જડબાતોડ જવાબ આપશે.
ભાજપા પ્રત્યેના જનતાના અતૂટ વિશ્વાસનું પરિણામ છે કે વિપક્ષને ઉમેદવાર શોધવામાં પણ ફાંફા પડ્યા છે. આજે રાજ્યમાં 700થી વધુ બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. કમળના ફુલવાળી પાર્ટી માત્ર વાતોમાં નહીં, પણ આયોજનબદ્ધ વિકાસમાં માને છે. ગુજરાતના વિકાસની ગાથા આજે ઘર-ઘર સુધી પહોંચી છે.
ભાજપ સરકાર માટે અંબાજીથી ઉમરગામ સુધીના 14 જિલ્લાના ૫૨ તાલુકાઓમાં વસતા આદિવાસી ભાઈ-બહેનોનો સર્વાંગી વિકાસ હંમેશા પ્રાથમિકતા રહ્યો છે. PM મોદી એક આદિવાસી સમાજની દીકરી દ્રૌપદી મુર્મૂજીને દેશના સર્વોચ્ચ રાષ્ટ્રપતિ પદ માટે પસંદ કરી સમગ્ર આદિવાસી સમાજનું ગૌરવ વધાર્યું છે.
બંગાળમાં દ્રૌપદી મુર્મૂનું થયેલું અપમાન એ આદિવાસી સમાજની અસ્મિતા પર પ્રહાર છે. જે શાસનમાં કેન્દ્રના 1 રૂપિયામાંથી માત્ર 15 પૈસા પહોંચતા હતા, તેની સામે આજે મોદી સરકારમાં વચેટિયાઓ વગર પુરે પૂરી સહાય લાભાર્થીના ખાતામાં જમા થાય છે.
