મહેસાણામાં ભક્તિનો મહાસાગર: 8 હજારથી વધુ ભક્તોએ માઁ ઉમિયાની મહાઆરતી કરી, 'બોલ મારી માઁ ઉમિયા'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલનું આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય માટે, દર શનિવારે સોસાયટી કે ગામમાં સાથે મળીને સામુહિક આરતી કરવા આહવાન

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 19 Apr 2026 09:46 PM (IST)Updated: Sun, 19 Apr 2026 09:46 PM (IST)
mehsana-news-8000-devotees-join-maa-umiya-mahaa-aarti-by-vishva-umiya-foundation
HIGHLIGHTS
  • કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત રહ્યા
  • રમતગમતને પ્રોત્સાહન આપવા માટે વૉલિબોલ ટુર્નામેન્ટ શરૂ કરાઈ

Mehsana: સનાતન ધર્મની ધજાને મજબૂત કરવાના ઉદ્દેશ્ય સાથે કરોડો ભક્તોની આસ્થાના કેન્દ્ર સમા વિશ્વ ઉમિયા ધામ (Vishva Umiya Dham) દ્વારા દર શનિવારે સનાતન આરતીનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મહેસાણાના મોઢેરા રોડ પર આવેલા અવસર પાર્ટીપ્લોટની સામેના મેદાનમાં મહાઆરતી અને વૉલિબૉલ ટૂર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આજે 8000થી વધારે સનાતનનીઓએ જગતજનની માઁ ઉમિયાની મહાઆરતી કરી હતી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન મહેસાણા જિલ્લા યુવા સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પ્રમુખ આર.પી. પટેલની સાથે-સાથે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ સહિત અનેક રાજકીય અને સામાજિક કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

મહાઆરતી સમયે સમગ્ર પરિસર માઁ ઉમાની ભક્તિમાં લીન થયું હોય તેવો માહોલ સર્જાયો હતો અને માતા બહેનોના 'બોલ મારી માઁ ઉમિયા મા'ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતુ.

naidunia_image

સનાતન ધર્મની મહાઆરતી અંગે વાત કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, હિન્દુઓ સિવાય તમામ ધર્મમાં અઠવાડિયાનો એક દિવસ પોતાની આસ્થા અને ઇષ્ટ માટે નક્કી કરાયેલો છે, તો સનાતન ધર્મમાં પણ એક દિવસ નક્કી કરવો ખૂબ જરૂરી બને છે.

naidunia_image

આથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હનુમાનજી મહારાજ અને માતાજીના શનિવારના રોજ આપણા ગામ કે પછી સોસાયટીમાં આયોજન કરી સનાતન ધર્મની ધજાને મજબૂત કરવા માટેનો આ પ્રયત્ન થઈ રહ્યો છે. હું સમગ્ર ગુજરાતના સનાતનીઓને આહવાન કરું છું કે, દર શનિવારે આપ જે પણ ઈષ્ટદેવમાં માનતા હોવ, તેમની સોસાયટી કે ગામમાં સામુહિક આરતી કરીને આપણી આવનારી પેઢીને એક નવું ભવિષ્ય આપવું જોઈએ.

naidunia_image

VUF પ્રમુખના આહવાન પર અત્યારે ગુજરાત રાજ્યમાં લગભગ 1000થી વધારે ગામ અને સોસાયટીઓમાં દર શનિવારે સમુહ આરતી કરવામાં આવે છે. આજે મહેસાણામાં લગભગ 8000થી વધારે ઉમા ભક્તો જગતજનની માં ઉમિયાની મહા આરતીમાં જોડાયા હતા. તેમજ 5000થી વધારે ભક્તોએ મા ઉમિયાનો પ્રસાદ લીધો છે.

વૉલિબૉલ ટૂર્નામેન્ટનું આયોજન

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) યુવા સંગઠન દ્વારા રમતગમતને પ્રોત્સાહન આપવા માટે ખાસ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. જેના ભાગ રૂપે વૉલિબૉલ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જે આગામી 24 જૂન સુધી ચાલશે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજના યુવાનોને એક મંચ પર લાવી રમતગમત દ્વારા શિસ્ત, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસાવવાનો છે.

naidunia_image

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના જાસપુર ખાતે જગતજનની મા ઉમિયાના 504 ફૂટ ઊંચા વિશ્વના સૌથી ઊંચા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. આ પ્રોજેક્ટમાં માત્ર ધાર્મિક જ નહીં, પરંતુ શિક્ષણ, રોજગાર, સ્કીલ યુનિવર્સિટી, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને અદ્યતન હોસ્પિટલ જેવા સેવાકીય પ્રકલ્પોનો પણ સમાવેશ થાય છે.