Narmada: નર્મદા જિલ્લામાં આવેલું વિશ્વવિખ્યાત પ્રવાસન ધામ એકતાનગર (કેવડિયા) આ દિવાળી વેકેશનમાં પ્રવાસીઓ માટે પહેલી પસંદ બની રહ્યું છે. તહેવારોની રજાઓના પ્રારંભિક માત્ર ત્રણ દિવસના ટૂંકા ગાળામાં જ 1.5 લાખથી વધુ મુલાકાતીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના સ્થળોની મુલાકાત લીધી છે. હાલ સ્થિતિ એ છે કે, વિસ્તારના તમામ પ્રવાસન સ્થળો, હોટલો, રો-હાઉસ અને ટેન્ટસિટી પૂર્ણ ક્ષમતા સાથે હાઉસફુલ થઈ ચૂક્યા છે.
વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણ બાદના 8 વર્ષમાં અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ દેશ-વિદેશના પ્રવાસીઓ આ સ્થળની સ્મરણીય મુલાકાત લઈ ચૂક્યા છે. ચાલુ વેકેશન દરમિયાન પણ ગુજરાત સહિત સમગ્ર ભારતભરમાંથી મોટી સંખ્યામાં સૈલાનીઓ એકતાનગર પહોંચી રહ્યા છે. આગામી દિવસોમાં અહીં દૈનિક 50 થી 60 હજાર પ્રવાસીઓ આવે તેવી શક્યતાને જોતાં સ્થાનિક વહીવટી તંત્ર અને પ્રવાસન વિભાગે વ્યવસ્થા સઘન બનાવી છે.
પ્રવાસીઓની આસાનીથી અવરજવર માટે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા વધારાની વિશેષ બસો શરૂ કરવામાં આવી છે. દિવસ દરમિયાન વિવિધ આકર્ષણોની સફર કર્યા બાદ રાત્રિના સમયે સૈલાનીઓ માટે ખાસ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપરાંત અહીં ૨૩થી વધુ પ્રવાસન પ્રકલ્પો આવેલા છે. વર્ષ 2026માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 600 મુસાફરોની ક્ષમતા ધરાવતી નવી 'એકતા ક્રૂઝ' અને 'રેન ફોરેસ્ટ' જેવા આધુનિક પ્રકલ્પો ખુલ્લા મૂકવામાં આવ્યા હતા, જે પ્રવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. છેલ્લા આઠ વર્ષથી દર વર્ષે દિવાળી ટાણે પ્રવાસીઓની સંખ્યાનો આંકડો નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. મનોહર કુદરતી સૌંદર્ય અને સતત ઉમેરાતી વિશ્વસ્તરીય સુવિધાઓને કારણે એકતાનગર આજે દેશનું શ્રેષ્ઠ પ્રવાસન કેન્દ્ર બની ચૂક્યું છે.
