Kuber Bhandari Karnali: આસો મહિનાના અંતિમ દિવસે સોમવતી અમાસ અને દિવાળીનો પવિત્ર ત્રિવેણી સંગમ યોજાતાં વડોદરા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ કરનાળી સ્થિત શ્રી કુબેર ભંડારી મંદિરે ભક્તોનું અવિરત ઘોડાપૂર ઉમટી પડ્યું છે. આવતીકાલથી પિતૃ તર્પણના પવિત્ર કારતક માસ અને હિન્દૂ નૂતન વર્ષનો પ્રારંભ થઈ રહ્યો હોવાથી, અમાસના આ મહાપર્વે દર્શન કરી ધન-ધાન્યના ભંડાર ભરેલા રહે તેવા શુભ આશિષ મેળવવા લાખોની સંખ્યામાં માઈભક્તો અને કુબેરદાદાના શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા.
રાત્રે 12 વાગ્યે ખુલ્લા કપાટ, 'જય કુબેર'ના નાદથી ગુંજ્યું પરિસર
ગત રાત્રે બરાબર 12 કલાકે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાના વરદ હસ્તે કુબેર દાદાના મંદિરના દિવ્ય કપાટ ખોલવામાં આવ્યા હતા. કપાટ ખુલતાની સાથે જ સમગ્ર મંદિર પરિસર 'જય કુબેર ભંડારી'ના જય ઘોષ અને ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું હતું. વહેલી સવારથી જ દાદાના મનોહર રૂપના દર્શન કરવા માટે ભક્તોની ૫ કલાક જેટલી લાંબી લાઈનો જોવા મળી હતી. મોડી રાતથી શરૂ થયેલો ભક્તોનો પ્રવાહ સતત વધતો જ રહ્યો હતો.
નર્મદા સ્નાન અને કુબેર દર્શનનું વિશેષ મહાત્મ્ય
કુબેર ભંડારી ખાતે માત્ર ગુજરાત જ નહીં, પરંતુ પડોશી રાજ્યો મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ થી પણ વિશાળ સંખ્યામાં ભક્તો દાદાના દર્શનાર્થે પહોંચ્યા છે. સોમવતી અમાસના દિવસે પવિત્ર નર્મદા સ્નાન અને કુબેરદાદાના દર્શનનું અનોખું અને વિશેષ મહાત્મ્ય હોવાથી ભક્તોમાં ભારે શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
મંદિર ટ્રસ્ટ અને તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા
આટલી મોટી સંખ્યામાં ઉમટેલી જનમેદનીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તો સરળતાથી અને સુગમતાથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. લાઈન મેનેજમેન્ટ, પીવાના પાણીની સુવિધા અને ભક્તોની સુરક્ષા માટે ટ્રસ્ટ અને સ્થાનિક પોલીસ તંત્ર દ્વારા ખાસ આયોજન ગોઠવવામાં આવ્યું છે. દિવાળી અને નવા વર્ષના પાવન અવસરે દર્શન કરી ભક્તોએ કૃતાર્થતાની અનુભૂતિ કરી હતી.
