Vadodara: વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના વડજ ગામમાં જૂની અંગત અદાવતમાં નજીવી બાબતે બે જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મામૂલી પાણી ઢોળવા બાબતે શરૂ થયેલી બોલાચાલીએ જોતજોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં બંને પક્ષના લોકો લાકડીઓ અને ડાંગ-દંડા લઈને સામસામે આવી ગયા હતા. આ ધીંગાણામાં ૨થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ સાંપડ્યા છે.
મળતી માહિતી મુજબ, વડજ ગામમાં રહેતા બે જૂથો વચ્ચે અગાઉથી ચાલી આવતી અંગત અદાવતમાં પાણી ઢોળવા જેવી બાબતે બોલાચાલી થઈ હતી. વાત વણસતાં બંને તરફથી લોકો ડાંગ અને દંડા સાથે સામસામે ઘસી આવ્યા હતા અને એકબીજા પર હુમલો કરી દીધો હતો. ઘટના દરમિયાન ગામમાં ચીસાચીસ અને ભાગદોડ મચી ગઈ હતી. આ જૂથ અથડામણનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં લોકો હાથમાં લાકડીઓ લઈ એકબીજા પર હુમલો કરતા નજરે પડે છે.
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ હરકતમાં આવી હતી. સ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈને શિનોર, ડભોઇ અને ચાંદોદ પોલીસ સ્ટેશનનો મોટો કાફલો વડજ ગામે દોડી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો અને શાંતિ સ્થાપી હતી.
પોલીસે આ મામલે કડક વલણ અપનાવીને રાયોટિંગ અને શાંતિ ભંગ કરવા બદલ ગુનો દાખલ કર્યો છે. આ સમગ્ર હિંસક અથડામણમાં સંડોવાયેલા કુલ ૧૬ જેટલા લોકો સામે પોલીસે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં વડજ ગામમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે અને પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે.
