વડોદરાના આકાશમાં ગૂંજશે ભારતીય વાયુસેનાના ‘સારંગ’ હેલિકોપ્ટરની ગર્જના, 12 થી 15 નવેમ્બર દરમિયાન યોજાશે એર-શો

વડોદરાના આંગણે યોજાનાર આ એર-શો ઉપસ્થિત સૌના દિલ જીતી લેવા અને સાહસની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Wed, 11 Nov 2026 04:54 PM (IST)Updated: Wed, 11 Nov 2026 04:54 PM (IST)
indian-air-force-sarang-helicopter-aerobatic-team-airshow-vadodara-12-to-15-november-2026

Vadodara Air Show: વડોદરાવાસીઓ માટે આગામી દિવસો એક અદ્ભુત અને રોમાંચક અનુભવ કરવાનો અવસર આવી રહ્યો છે. ભારતીય વાયુસેનાની 11 સ્ક્વોડ્રનની પ્લેટિનમ જ્યુબિલીની ઉજવણીના ઉપલક્ષ્યમાં, વિશ્વ વિખ્યાત ‘સારંગ’ હેલિકોપ્ટર એરોબેટિક ડિસ્પ્લે ટીમ વડોદરા એરફિલ્ડ ખાતે આગામી 12 થી 15 નવેમ્બર 2026 દરમિયાન ચાર દિવસીય એર-શોમાં સાહસિક હવાઈ કૌશલ્યોનું પ્રદર્શન કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે.

વિશ્વની ગણતરીની જૂજ પાંચ-હેલિકોપ્ટર એરોબેટિકટીમમાં સ્થાન ધરાવતી સારંગ ટીમની સૌથી મોટી વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજીથી નિર્મિત ‘એડવાન્સ્ડ લાઈટ હેલિકોપ્ટર’ (ALH) ધ્રુવનો ઉપયોગ કરે છે. અત્યંત નજીકના અંતરે ક્લોઝ-ફોર્મેશનમાં ઉડાન ભરીને જોખમી સ્ટંટ કરવા એ પાઈલટની સર્વોચ્ચ એકાગ્રતા અને અસાધારણ ક્ષમતાની પ્રતીતિ કરાવે છે.

આ પ્રદર્શન માત્ર વાયુસેનાની તાકાતનું પ્રતીક નથી, પરંતુ ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને સ્વદેશી એરોસ્પેસ સંરક્ષણ ઉદ્યોગની અદ્યતન ક્ષમતાનું પણ જીવંત ઉદાહરણ છે. રાષ્ટ્રીય પક્ષી મોરનું આકર્ષક પ્રતીક ધરાવતા અને રંગબેરંગી પટ્ટાથી સજ્જ આ હેલિકોપ્ટરો આકાશમાં કલાઓ કરે છે, ત્યારે તે ખરેખર ભારતની શાન અને રાષ્ટ્રીય ગૌરવ વધારે છે. સ્થાપના કાળથી જ દેશ-વિદેશમાં અનેક પ્રતિષ્ઠિત એર-શો ખેડી ચૂકેલી ટીમનું વડોદરા આગમન અનેક દ્રષ્ટિએ વિશેષ મહત્વ ધરાવે છે.

naidunia_image

આ ભવ્ય આયોજન માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ તે વિદ્યાર્થીઓ અને યુવા પેઢીમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને સશસ્ત્ર દળોમાં કારકિર્દી બનાવવા માટે નવી પ્રેરણા પૂરી પાડશે. બીજી તરફ, આ એર-શો ભારતીય વાયુસેનાના નિવૃત સૈનિકો અને વાયુ યોદ્ધાઓ માટે અપાર ગર્વ, દેશભક્તિ અને ભાવનાત્મક ક્ષણો લઈને આવશે. વડોદરાના આંગણે યોજાનાર આ એર-શો ઉપસ્થિત સૌના દિલ જીતી લેવા અને સાહસની ભાવનાને પ્રોત્સાહિત કરવા માટે તૈયાર છે.