Mehmadabad Accident: ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના આકલાચા ગામની હદમાં આજે વહેલી પરોઢે ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં પુરપાટ ગતિએ પસાર થઈ રહેલું બાઈક સ્લીપ થઈને ઝાડ સાથે ભટકાતા નીચે પટકાયેલા બે મિત્રોના મોત નીપજ્યા છે. આ સમગ્ર ઘટના નજીકના CCTVમાં કેદ થઈ ગયા છે.
વિક્રમ ઠાકોરનો ડાયરો જોઈને ઘરે પરત ફરતાં કાળનો ભેટો થયો
આ પણ વાંચો
હકીકતમાં અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઈ તાલુકાના વાંચ ગામે માતાજીના માંડવામાં ગુજરાતના જાણીતા કલાકાર વિક્રમ ઠાકોરનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં હાજરી આપીને બે મિત્રો બાઈક પર પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન મહેમદાવાદ પંથકના આકલાચા ગામ નજીકથી પુરપાટ પસાર થતી વખતે બાઈકના ચાલકે અચાનક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો.
બેકાબુ બનેલું બાઈક રોડની સાઈડમાં ઉતરી ગયું હતુ અને ત્યાં ઝાડ સાથે ધડાકાભેર ભટકાયું હતુ. આ સાથે જ બાઈક પર સવાર બન્ને મિત્રો ધૂળની ડમરીઓ વચ્ચે ફંગોળાઈને નીચે પટકાયા હતા. બાઈકની ટક્કરનો અવાજ સાંભળીને આસપાસના રહીશો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં બાઈક પરથી નીચે પટકાયેલા બન્ને મિત્રોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.
બીજી તરફ આ બનાવની જાણ થતાં મહેમદાવાદ પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી. હાલ તો પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડીને અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
ખાસ વાત એ છે કે, અકસ્માત સમયે પાછળ બીજા બાઈક પર મૃતકોના બે મિત્રો પણ આવી રહ્યા હતા. જો કે નજર સામે જ મિત્રોની બાઈકનો અકસ્માત ભાળી ગયેલા પાછળ આવી રહેલ યુવકે પણ સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.
