Kheda Crime News: ખેડા જિલ્લાના માતર તાલુકાના માછીયેલ ગામે નૂતન વર્ષની ઉજવણી દરમિયાન જૂથ અથડામણની ઘટના બની હતી. ગામમાં પરવાનગી વગર મોટા અવાજે લાઉડસ્પીકર વગાડી માંડવડી ગરબા રમવા જેવી સામાન્ય બાબતે બે ફળિયાના જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. બંને પક્ષોને શાંત પાડવા ગયેલી પોલીસ ટીમ પર ઉશ્કેરાયેલા ટોળાએ પથ્થરમારો કર્યો, જેમાં સરકારી વાહનને ભારે નુકસાન પહોંચ્યું હતું.
સમગ્ર ઘટનાની વિગતો મુજબ, ગત 11 નવેમ્બર 2026 ના રોજ સવારે આશરે 8:30 કલાકે માતર પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરતા માછીયેલ ગામ પહોંચ્યા હતા. આ સમયે ગામના સરપંચ મનુભાઈ સોઢા પરમારના 'સાઈઠ ઘરના ફળિયા' ના ગરબા, ગાયક કલાકાર ગીતાંજલી ઠાકોર સાથે ગામની ભાગોળે આવેલા ચોક સુધી પહોંચ્યા હતા.
બીજી તરફ, સામે પક્ષે 'એંસી ઘરનાફળિયા' ના ગરબા પણ તે જ સ્થળે આવી પહોંચતા બંને જૂથ સામસામે આવી ગયા અને મંજૂરી વગર મોટા સ્પીકર લગાવી દીધા હતા. પરિસ્થિતિ વણસતી જોઈને સ્થળ પર હાજર પોલીસ કર્મચારીઓએ બંને પક્ષોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસની સમજાવટ બાદ એંસી ઘરના ફળિયાના લોકો શાંતિપૂર્વક પરત ફરી ગયા હતા.

પરંતુ, સાઈઠ ઘરના ફળિયાના કેટલાક શખ્સોએ પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરી જીભાજોડી શરૂ કરી હતી. વાતાવરણ વધુ તંગ બનતા માતર પોલીસ મથકેથી તાત્કાલિક વધારાનો પોલીસ કાફલો અને સરકારી વાહન ઘટના સ્થળે બોલાવવામાં આવ્યા હતા. પોલીસ ગાડી ગામમાં પ્રવેશતાં જ બેકાબૂ બનેલા ટોળાએ વાહનને ચારે તરફથી ઘેરી લઈ પથ્થરમારો શરૂ કરી દીધો હતો.
આ પથ્થરમારામાં પોલીસ વાહનના ડ્રાઈવર સાઈડના કાચ તૂટી ગયા હતા, તેમજ આગળના બંને દરવાજાને પણ મોટું નુકસાન થયું હતું. આ ઝપાઝપી દરમિયાન ગોકળભાઈ સોઢા પરમાર નામના શખ્સે ફરજ પર હાજર પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈનો કોલર પકડીને તેમનો સરકારી યુનિફોર્મ ફાડી નાખ્યો હતો અને ઢીકાપાટુનો માર મારી ફરજમાં રુકાવટ ઉભી કરી હતી.
પોલીસ ટીમ પર હુમલો કરવા અને સરકારી ફરજમાં અવરોધ ઉભો કરવાની આ ઘટનાને પગલે માતર પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ટીમે ગામના સરપંચ મનુભાઈ સોઢા પરમાર સહિત 11 નામજોગ આરોપીઓ તેમજ અન્ય અજાણ્યા શખ્સોના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ તેજ બનાવી છે.
