Kheda Gold Robbery Case: ખેડા જિલ્લાના નડિયાદ રેલવે સ્ટેશન પર ગ્રોમોર બુલિયન કંપનીના કર્મચારીને ધક્કો મારીને આચરવામાં આવેલા ₹4 કરોડના સોનાની લૂંટ કેસનો ઉકેલ લાવવા પોલીસ ટીમોએ જે રીતે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડ્યું, તેણે સમગ્ર રાજ્યમાં ચર્ચા જગાવી છે. માત્ર 4 કલાકના ટૂંકા ગાળામાં જ પોલીસે જીવના જોખમે ચારેય લૂંટારૂને દબોચી લીધા હતા. વાંચો આ રોમાંચક અને સાહસિક પોલીસ ઓપરેશનની એક-એક વિગત.
સનસનાટીભરી લૂંટ: એક ફોટોગ્રાફે રચી ગેમ-ચેન્જર સ્ક્રિપ્ટ
ગત 3 ઓક્ટોબર, શનિવારની સાંજે આશરે 5:00 વાગ્યાના અરસામાં ખેડાના નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી હતી. દિયોદર તાલુકાના મોજરુ ગામના રહેવાસી અને ‘ગ્રોમોર’ બુલિયન કંપનીમાં કામ કરતા ભરતભાઈ ચૌધરી કલકત્તાથી આશરે ₹3.76 કરોડની કિંમતનું 2.70 કિલો સોનું લઈને ટ્રેનમાં આવી રહ્યા હતા.
જ્યારે ભરતભાઈ પ્લેટફોર્મ પરથી ઉતરીને બસ સ્ટેન્ડ તરફ જવા માટે રેલવે ફૂટ ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 4 અજાણ્યા શખસોએ તેમને અચાનક ધક્કો મારીને સોનાની ચેઈન ભરેલી બેગ આંચકી લીધી અને ભાગી છૂટ્યા હતા.
પરંતુ, ભોગ બનનાર ભરતભાઈએ અસાધારણ હિંમત અને સમયસૂચકતા દાખવીને ભાગી રહેલા આરોપીઓની ગાડીનો પીછો કર્યો અને નંબર પ્લેટ વિનાની મારુતિ બલેનો તથા ટાટા ટિયાગો કાર (નંબર GJ-08-DJ-0311) નો ફોટો પાડી લીધો હતો. આ એક ફોટોગ્રાફે જ આખી લૂંટનો પર્દાફાશ કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
પહેલો આરોપી ઝડપાયો: કંટ્રોલરૂમ એલર્ટ અને રૂટ મેપિંગ
લૂંટની ઘટના બાદ GRP ખેડા દ્વારા તાત્કાલિક CCTV ફૂટેજ ચકાસી શંકાસ્પદ વાહન અને આરોપીઓ અંગે સ્ટેટ કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો, જેની વિગતો સાંજે 7:30 વાગ્યે અમદાવાદ ગ્રામ્ય પોલીસને મળી હતી. અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક રૂટ મેપિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહન રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબરના SDR ના આધારે બનાસકાંઠા કનેક્શન ખુલ્યું હતું.
LCB હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે બાતમીદાર નેટવર્ક દ્વારા ટિયાગો કારનું સચોટ લોકેશન શોધી કાઢ્યું હતું. તપાસમાં સામે આવ્યું કે ટિયાગોની પાછળ નંબર પ્લેટ વગરની બલેનો કાર પણ આવી રહી છે, અને તેમનો સંભવિત રૂટ સાચાણા તથા વિરમગામ તરફનો છે. સંભવિત રૂટ પર LCB અને વિરમગામ ટાઉન પોલીસે તાત્કાલિક કડક નાકાબંધી ગોઠવી દીધી હતી.
બલેનો કાર વિરમગામ ટાઉનના પંથભુજી હનુમાન સર્કલ પાસે પ્રવેશે તે પહેલાં જ હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અને વિરમગામ ટાઉન પોલીસના સિદ્ધરાજે રસ્તા પર ટ્રક તથા અન્ય વાહનો આડા મૂકીને રસ્તો બ્લોક કરી દીધો હતો. પોલીસે કારમાંથી મુખ્ય સૂત્રધાર સાવન ભાવેશભાઈ ચૌધરી (રહે. ખોડા, તા. કાંકરેજ) ને ઝડપી પાડ્યો. કડક પૂછપરછમાં સાવને કબૂલ્યું કે, લૂંટાયેલા સોના સાથે તેના અન્ય 3 સાગરિતો આગળ કારમાં નીકળી ગયા છે.
પોલીસનો માસ્ટરપ્લાન: આરોપીનું લોકેશન મેળવી ગોઠવી ટ્રેપ
પોલીસ ટીમે અદ્ભુત ચતુરાઈ વાપરીને પકડાયેલા સાવન મારફતે જ ટિયાગો કારમાં સવાર તેના સાગરિતોનું ચોક્કસ લોકેશન મેળવ્યું હતું અને યુક્તિપૂર્વક તેમને તે તરફ બોલાવ્યા હતા. વિરમગામ પોપટ ચોકડીથી બહુચરાજી રોડ પરના નીલકી ગામ તરફ ટિયાગો કાર નીકળી હોવાની ચોક્કસ બાતમી મળતાં જ વિરમગામ ટાઉન PI એસ.એ. ગઢવી, માંડલ PI પરેશા જાની, અમદાવાદ ગ્રામ્ય LCB અને વિરમગામ ટાઉન પોલીસનીટીમોએ સ્થળ પર પહોંચીને ટિયાગો કારને ઘેરી લીધી હતી.
PI ગઢવીનો મોતના મુખમાં કૂદકો! કારમાં ઘૂસી હેન્ડબ્રેક ખેંચી
પોલીસને સામે જોઈને ભાગવાના આખરી પ્રયાસમાં આરોપીઓએ પોતાની ટિયાગો કાર PI એસ.એ. ગઢવીની ગાડી સાથે અથડાવી દીધી હતી. ત્યારબાદ આરોપીઓએ બચવા માટે રિવર્સ ગિયરમાં પુરપાટ ઝડપે કાર ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. એ જ ક્ષણે પોતાના જીવની પરવા કર્યા વગર વિરમગામ ટાઉન PI એસ.એ. ગઢવીએ દોડીને ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો.
આરોપીઓએ કાર ઊભી રાખવાને બદલે 70 કિમીની ભયાનક ઝડપે કાર ભગાવી હતી, જેના કારણે PI ગઢવી ચાલુ કારે લગભગ 500 મીટર) સુધી રોડ પર ઘસડાયા હતા. અત્યંત જોખમી અને મોતના મુખ સમાન સ્થિતિમાં પણ અસાધારણ હિંમત દાખવીને પીઆઈ ગઢવીએ ચાલુ ગાડીના દરવાજાનું લોક ખોલી નાખ્યું. ચાલુ વાહને અંદર પ્રવેશ કરીને સ્ટિયરિંગપર કાબૂ મેળવી લીધો. ગાડીની ઈમરજન્સી હેન્ડબ્રેક ખેંચીને કારને સ્થળ પર જ થંભાવી દીધી!
કાર અટકતા જ પાછળ આવી રહેલા અન્ય પોલીસ જવાનોએ તુરંત પહોંચીને કારમાં સવાર આરોપીઓને દબોચી લીધા હતા. આ દરમિયાન એક આરોપી અંધારાનો લાભ ઉઠાવીને નજીકના ખેતરમાં ભાગી ગયો હતો, પરંતુ પોલીસે આખા ખેતરને કોર્ડન કરીને તેને પણ ઝડપી પાડ્યો હતો.
4 મહિના લૂંટનું પ્લાનિંગ: પૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ
તપાસમાં ખુલાસો થયો છે કે મુખ્ય સૂત્રધાર સાવન ચૌધરી અગાઉ ગ્રોમોર બુલિયન કંપનીમાં જ નોકરી કરતો હતો. 4 મહિના પહેલા નોકરી છોડીને તે પાનનો ગલ્લો ચલાવતો હતો. સાવન જાણતો હતો કે કલકત્તાથી અમદાવાદ લવાતું સોનું ડાયરેક્ટ ટ્રેનમાં જતું નથી, પરંતુ કર્મચારી નડિયાદ સ્ટેશને ઉતરીને બસ મારફતે અમદાવાદ પહોંચે છે. આ માહિતીના આધારે તેણે પોતાના 3 સાગરિતો સાથે મળીને છેલ્લા 4 મહિનાથી આ લૂંટનું પ્લાનિંગ કર્યું હતું.
મિશન ઈમ્પોસિબલ પાર પાડનાર પોલીસ ટીમને ખૂબ અભિનંદન
આ અશક્ય લાગતા ઓપરેશનને ગણતરીના કલાકોમાં સફળ બનાવવામાં પશ્ચિમ રેલવે પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસના LCB PI રઘુ કરમટીયા, PI આર.એન. કરમટીયા, PI આર.બી. રાઠોડ, PSI આર.જે. ચોટલીયા, હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ પરમાર, હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહ, વિરમગામ ટાઉન PI એસ.એ. ગઢવી, માંડલ PI પરેશા જાની, PSI એચ.કે. વાઘેલા, પશ્ચિમ રેલવે પોલીસ વડોદરાના PI એમ.એન. પરમાર અને PSI ડી.એન. પટેલ સહિતના જવાનો જોડાયા હતા.
