ખેડા લૂંટ કેસ: 4 મહિના પહેલા છોડી નોકરી, પૂર્વ કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઈન્ડ; જાણો કેવી રીતે રચાયો લૂંટનો પ્લાન

બુલિયન કંપનીના જ પૂર્વ કર્મચારીએ સાગરીતો સાથે મળીને લૂંટનો પ્લાન બનાવ્યો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 05 Oct 2026 09:55 AM (IST)Updated: Mon, 05 Oct 2026 09:55 AM (IST)
how-nadiad-railway-station-gold-robbery-plan-hatch-by-former-employee-main-accused
AI Generated Image

Kheda Gold Robbery Case: નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પરથી ગ્રોમોર બુલિયન કંપનીના કર્મચારી પાસેથી ₹3.76 કરોડની કિંમતનું 2.70 કિલો સોનું લૂંટીને ભાગેલા 4 આરોપીને પોલીસે વિરમગામ પાસેથી માત્ર 4 કલાકમાં જ ઝડપી લીધા છે. બુલિયન કંપનીના જ પૂર્વ કર્મચારીએ સાગરીતો સાથે મળીને 4 મહિના સુધી લૂંટનો પ્લાન બનાવ્યો હતો. પરંતુ ફરિયાદીની સમયસૂચકતા અને પોલીસના સાહસથી લૂંટનો મામલો ઉકેલાયો હતો.

કર્મચારીને ધક્કો મારી સોનાની બેગ આંચકી ફરાર

બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના મોજરુ ગામના રહેવાસી ભરતભાઈ કરશનભાઈ ચૌધરી ‘ગ્રોમોર’ નામની બુલિયન કંપનીમાં કામ કરે છે. તેઓ કલકત્તાથી 2.70 કિલો સોનું લઈને હાવડા-અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનમાં આવી રહ્યા હતા. ગત શનિવારે નડિયાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 પર ઉતરીને તેઓ બસ સ્ટેન્ડ તરફ જતા રેલવે ફૂટ ઓવર બ્રિજ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે 4 શખ્સોએ તેમને ધક્કો મારીને સોનાની ચેઈન ભરેલી બેગ આંચકી લીધી અને કારમાં ફરાર થઈ ગયા હતા.

પાનનો ગલ્લો ચલાવતો પૂર્વ કર્મચારી માસ્ટરમાઈન્ડ

પોલીસ તપાસમાં બહાર આવ્યું કે, આ લૂંટનો મુખ્ય સૂત્રધાર સાવન ભાવેશભાઈ ચૌધરી (રહે. ખોડા, તા. કાંકરેજ) અગાઉ ગ્રોમોર બુલિયન કંપનીમાં જ નોકરી કરતો હતો. સાવન 4 મહિના પહેલા નોકરી છોડીને પાનનો ગલ્લો ચલાવતો હતો. તેને જાણ હતી કે કલકત્તાથી આવતું સોનું ડાયરેક્ટ ટ્રેનમાં અમદાવાદ જતું નથી, પરંતુ કર્મચારી નડિયાદ સ્ટેશને ઉતરીને બસ મારફતે અમદાવાદ પહોંચે છે. ચોક્કસ માહિતીના આધારે તેણે આકાશ પ્રજાપતિ, કિરણ ચૌધરી અને દશરથ પ્રજાપતિ નામના 3 સાગરીતો સાથે મળીને છેલ્લા 4 મહિનાથી પ્લાનિંગ ઘડ્યો હતો.

કારે ખોલ્યો રાઝ, 4 કલાકમાં ઝડપાયા તમામ આરોપી

લૂંટ બાદ આરોપીઓ બે અલગ-અલગ કારમાં ભાગ્યા હતા. પરંતુ હિંમત દાખવીને ફરિયાદી ભરતભાઈએ નંબર પ્લેટ વિનાની બલેનો કાર અને ટિયાગો કાર નંબર GJ-08-DJ-0311 નો ફોટો પાડી લીધો હતો. આ ફોટોગ્રાફના આધારે પોલીસે સંભવિત રૂટ પર તુરંત નાકાબંધી ગોઠવી દીધી હતી. અમદાવાદ ગ્રામ્ય LCB હેડ કોન્સ્ટેબલ હિમાંશુભાઈ અરજણભાઈએ પંથભુજી હનુમાન સર્કલ પાસે બલેનો કારને કોર્ડન કરીને સાવન ચૌધરીને ઝડપી પાડ્યો, જેણે તેના અન્ય સાગરીતોના નામ કબૂલ્યા હતા.

ફિલ્મી સ્ટાઈલમાં પીછો, જીવના જોખમે ખેડ્યું સાહસ

વિરમગામ પોપટ ચોકડીથી બહુચરાજી રોડ પરના નીલકી ગામ તરફ ટિયાગો ગાડી નીકળી હોવાની માહિતી મળતા વિરમગામ ટાઉન PI સંજય એ. ગઢવી અને માંડલ PI પરેશ જાનીની ટીમે પીછો કર્યો હતો. નીલકી ગામ પાસે પોલીસ વાહન આગળ આવી જતાં આરોપીઓએ પોતાની કાર રિવર્સમાં ભગાવવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન વિરમગામ ટાઉન PI સંજય એ. ગઢવીએ ચાલુ ગાડીનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ 70 કિમીની ઝડપે 500 મીટર સુધી કાર ભગાવી હોવા છતાં, PI ગઢવીએ દરવાજાનું લોક ખોલી સાહસપૂર્વક હેન્ડબ્રેક ખેંચીને કાર પર કાબૂ મેળવ્યો અને આરોપીઓને પકડી પાડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટાયેલું તમામ સોનું અને અન્ય વાહનો સહિત ₹3.76 કરોડનો મુદ્દામાલ રિકવર કર્યો છે.

આ સફળ કામગીરીમાં અમદાવાદ ગ્રામ્ય LCB PI આર.એન. કરમટીયા, PI આર.બી. રાઠોડ, PSI આર.જે. ચોટલીયા, HC હિમાંશુભાઈ પરમાર, વિરમગામ ટાઉન પોલીસના PI એસ.એ. ગઢવી, PI પી.ડી. જાની, PSI એચ.કે. વાઘેલા તેમજ પશ્ચિમ રેલવે પોલીસ વડોદરાના PI એમ.એન. પરમાર અને PSI ડી.એન. પટેલ સહિતના પોલીસ કર્મચારીઓ જોડાયા હતા.