Kheda Railway Station Gold Robbery: ખેડા રેલવે સ્ટેશન પર બનેલી સોનાની લૂંટનો ભેદ અમદાવાદ ગ્રામ્ય પોલીસ અને રેલવે પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો. પોલીસે લૂંટમાં સંડોવાયેલા તમામ 4 આરોપીને ઝડપી પાડી તેમની પાસેથી ₹4 કરોડની કિંમતનું 2.90 કિલો સોનું તેમજ ગુનામાં વપરાયેલી બે કાર જપ્ત કરી 100% મુદ્દામાલ રિકવર કર્યો છે. આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સમગ્ર ટીમને સફળ ઓપરેશન બદલ અભિનંદન પાઠવ્યા છે.
આ કેસ અંગે મળતી વિગતો અનુસાર, સાંજે આશરે 5:00 વાગ્યાના અરસામાં ખેડા રેલવે સ્ટેશન પર સોનાની લૂંટની ઘટના બની હતી. ભોગ બનનારે હિંમત દાખવી આરોપીઓનો પીછો કર્યો અને તેમના વાહનનો ફોટો પાડી લીધો હતો. GRP ખેડા દ્વારા તાત્કાલિક CCTV ફૂટેજ ચકાસી શંકાસ્પદ વાહન ટાટા ટિયાગો અને આરોપીઓ અંગે સ્ટેટ કંટ્રોલ રૂમને એલર્ટ કરવામાં આવ્યો હતો.
આ વિગતો સાંજે આશરે 7:30 વાગ્યે અમદાવાદ ગ્રામ્ય પોલીસને પ્રાપ્ત થઈ હતી. વિગતો મળતા જ અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા તાત્કાલિક રૂટ મેપિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વાહનનો રજીસ્ટ્રેશન નંબર અને મોબાઈલ નંબર SDR ના આધારે બનાસકાંઠા કનેક્શન સામે આવ્યું હતું. LCB હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રસિંહે પોતાના બાતમીદાર નેટવર્ક દ્વારા ટિયાગો કારનું સચોટ લોકેશન શોધી કાઢ્યું હતું.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ટિયાગો કારની પાછળ નંબર પ્લેટ વગરની અન્ય એક મારુતિ બલેનો કાર પણ આવી રહી હતી. સંભવિત રૂટ સાચાણા અને વિરમગામ તરફનો હોવાનું જણાતાં LCB અને વિરમગામ ટાઉન પોલીસે તાત્કાલિક નાકાબંધી ગોઠવી દીધી હતી. બલેનો કાર વિરમગામ ટાઉનમાં પ્રવેશે તે પહેલા જ LCB જવાન હિમાંશુ અને વિરમગામ ટાઉન પોલીસ જવાન સિદ્ધરાજે સમયસૂચકતા વાપરી ટ્રક અને અન્ય વાહનો આડા મૂકી રસ્તો બ્લોક કરી દીધો અને એક આરોપીને ઝડપી પાડ્યો હતો.
પૂછપરછમાં સામે આવ્યું કે, લૂંટાયેલા સોના સાથે અન્ય ત્રણ આરોપીઓ ટિયાગો કારમાં આગળ નીકળી ગયા છે. પોલીસ ટીમે પકડાયેલા આરોપી મારફતે કુનેહપૂર્વક ટિયાગોમાં સવાર આરોપીઓનું લોકેશન મેળવી તેમને તે તરફ બોલાવ્યા હતા. બાતમી મળતાં જ PI એસ.એ. ગઢવી, PI પરેશ જાની, વિરમગામ ટાઉન અને LCB પોલીસની ટીમોએ સ્થળ પર પહોંચી ટિયાગો કારને કોર્ડન કરી લીધી હતી.
ભાગવાના પ્રયાસમાં આરોપીઓએ ટિયાગો કાર PI એસ.એ. ગઢવીની ગાડી સાથે અથડાવી દીધી હતી. બાદમાં આરોપીએ રિવર્સ ગિયરમાં કાર ભગાવી, જોકે PI એસ.એ. ગઢવીએ જીવના જોખમે દોડીને ચાલુ કારનો દરવાજો પકડી લીધો હતો. આરોપીઓએ તેમને આશરે 500 મીટર સુધી ઢસડ્યા હતા. અત્યંત જોખમી સ્થિતિ વચ્ચે પણ અસાધારણ હિંમત દાખવી PI ગઢવીએ ચાલુ ગાડીનો દરવાજો ખોલી, સ્ટિયરિંગપર કાબૂ મેળવી ઈમરજન્સી હેન્ડબ્રેક ખેંચી ગાડી અટકાવી દીધી હતી.
પોલીસ જવાનોએ તુરંત પહોંચી કારમાં સવાર આરોપીઓને દબોચી લીધા હતા. આ દરમિયાન એક આરોપી ખેતરમાં ભાગી જતાં પોલીસે કોર્ડન કરી તેને પણ ઝડપી પાડ્યો બલેનો કારના સીટ કવરનીઅંદરથી છુપાવેલી હાલતમાં મળી આવેલું લૂંટ કરેલું આશરે રૂપિયા 4 કરોડની કિંમતનું અંદાજે 2.90 કિલોગ્રામ સોનું તથા ગુનામાં વપરાયેલ બે વાહનો ટાટા ટિયાગો કાર અને મારુતિ બલેનો કાર સહિતના મુદ્દામાલને જપ્ત કરી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ રેલવે પોલીસ તેમજ અમદાવાદ ગ્રામ્ય પોલીસના LCB PI રઘુ કરમટીયા, PI એસ.એ. ગઢવી, PI પરેશા જાની તથા LCB અને વિરમગામ ટાઉન પોલીસના જવાનોએ સંયુક્ત રીતે આ ઓપરેશન સફળ બનાવ્યું હતું. PI એસ.એ. ગઢવીની બહાદુરી અને સમગ્ર ટીમની સતર્કતાના કારણે 100% મુદ્દામાલ સાથે ગુનાનો પર્દાફાશ થયો છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઓપરેશનમાં સામેલ સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા છે.
