Kheda: ગળતેશ્વરની નર્મદા કેનાલમાં 3 યુવાનો ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો; લાપત્તા બેની ઊંડા પાણીમાં શોધખોળ

કેનાલની સામે પાર બેઠેલા લોકોએ ત્રણેય યુવકોને ઊંડા પાણીમાં ગરકાવ થતા જોતા ગ્રામજનો અને વહીવટી તંત્રને જાણ કરી હતી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 22 Jun 2025 05:29 PM (IST)Updated: Sun, 22 Jun 2025 05:29 PM (IST)
kheda-news-three-youth-drown-in-narmada-canal-at-galteshwar
HIGHLIGHTS
  • ટીંબાના મુવાડા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું
  • ગ્રામપંચાયતની ચૂંટણીના મતદાન સમયે લોકો કેનાલે ટોળે વળ્યા

Kheda: ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ત્રણ યુવાન ડૂબી ગયા હોવાની ઘટના બની છે. જે પૈકી એક યુવકનો મૃતદેહ મળી આવતા ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં આશરે 18 થી 20 વર્ષની ઉંમરના ત્રણ યુવાનો કેનાલમાં પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયા હતા. જેમાંથી બે યુવાનો ગળતેશ્વર તાલુકાના ટીંબાના મુવાડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

યુવકો કેનાલમાં ડૂબતા લોકોએ તરત તંત્રને અને નજીકમાં રહેલા સ્થાનિક તરવૈયાઓને જાણ કરતા તંત્રના જવાનો અને સ્થાનિક તરવૈયાઓ ઘટના સ્થળે દોડી આવી કેનાલમાં ડૂબી ગયેલ યુવકોની શોધખોળ હાથ ધરતા ટીંબાના મુવાડા ગામના અક્ષય મણીલાલ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. જયારે અન્ય બે યુવકો હજુ લાપતા છે. આ ઘટના સમયે ગામમાં ગ્રામ પંચાયતના મતદાનનું પર્વ ઊજવાઈ રહ્યું હતું, ત્યારે આવી દુઃખદ ઘટના જાણ થતાં આનંદનું વાતાવરણ તણાઈ ગયું અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ.

કેનાલની સામે પાર બેઠેલા લોકોની નજર ત્રણ યુવાનો પર પડી જે પાણીમાં ડૂબી રહ્યા હતા. ઘટના જોઈ સ્થાનિક લોકોએ તરત અન્ય ગ્રામજનોને જાણ કરી. આ ઘટનાની જાણ થતાં લોકોટોળા કેનાલ પાસે પહોંચી ગયા હતા. લોકોએ તુરંત તંત્રને અને નજીકમાં રહેલા સ્થાનિક તરવૈયાઓને માહિતી આપતા તંત્રના જવાનો ઘટના સ્થળે પહોંચી જઈ કેનાલના પાણીમાં ત્રણે યુવકોની શોધખોળ હાથ ધરી હતી અને સ્થાનિક તરવૈયાઓની પણ મદદ લેવામાં આવી રહી છે.

દુઃખદ વાત એ છે કે લોકશાહીનું પર્વ ઉજવાઈ રહ્યું હતું ત્યારે આવી ઘટના જાણ થતાં લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. સમગ્ર વિસ્તારમાં હાલ હતાશાનું વાતાવરણ છવાઈ ગયું છે.