Kheda: ખેડા જિલ્લાના નડિયાદ સ્થિત સંતરામ મંદિર (Santram Mandir) ખાતે આજે પોષી પૂર્ણિમાની (Poshi Poonam)શ્રદ્ધાપૂર્વક ઉજવાણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હજારો મણ બોર ઉછાળીને પોતાની માનતા પૂર્ણ કરી હતી.
હકીકતમાં સેવાતીર્થ સંતરામ મંદિરમાં પોષી પૂનમના રોજ બોર ઉછાળવાની 200 વર્ષ જૂની પરંપરા છે. જેને લઈને આજે વહેલી સવારથી લાખો ભક્તો દૂર-દૂરથી પોતાની બાધા પૂર્ણ કરવા આવી પહોંચ્યા હતા. આ તકે મંદિર પરિસર 'જય મહારાજ'ના નાદથી ગુંજી ઉઠ્યું હતુ.
અહીં સંતરામ મંદિરમાં મહંત રામદાસજી મહારાજનાં આશીર્વાદ મેળવ્યા હતા. જે બાદ ઉપસ્થિત લોકોએ બોર વર્ષા કરી હતી, જે નજારો જોઈ ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

બોર વર્ષાની પરંપરાના કારણે તેને 'બોર પૂનમ' પણ કહે છે
એક માન્યતા છે કે, બાળક તેની ઉંમર પ્રમાણે બોલતુ ન હોય તો સંતરામ મંદિરમાં બોર વર્ષા કરવાની બાધા રાખવામાં આવે તો તે બાળક જલ્દી બોલતુ થાય છે. આજે સંતરામ મંદિર નડિયાદમાં મોટી સંખ્યામાં આજૂબાજૂના ગામના લોકોએ સાકર બોર ઉછામણી કરવાની બાધા રાખી હતી. જેથી લોકોએ બાધા પૂર્ણ કરવા માટે સંતરામ મંદિરમાં બોર વર્ષા કરી હતી.

કેટલાક બાળકો પાંચ વર્ષના થાય પછી પણ મમ્મી પપ્પા જેવા શબ્દો બોલી શકતા નથી. બાળકોને જલ્દી બોલતા પણ આવડતું નથી આવા બાળકોના માતા પિતા સંતરામ મંદિરમાં પોષી પૂનમે બોર ઉછાળવાની બાધા રાખતા હોય છે.

માન્યતા છે કે સંતરામ મંદિરમાં પોષી પુનમે બોર વર્ષા કરવાથી પોતાનું બાળક જલ્દી બોલતું થાય છે. દર વર્ષે સંતરામ મંદિરની બોર વર્ષા કરવામાં આવે છે.

સવા શેર બોરથી લઈને બાળકનું જેટલુ વજન હોય તેટલું કે તેનાથી વધારે બોર ઉછાળવામાં આવે છે, જેને ભાવિકો પ્રસાદ તરીકે ગ્રહણ કરે છે. પ્રતિવર્ષ હજારો મણ બોરની મંદિરમાં ઉછામણી કરવામાં આવતી હોય છે. જેને લઇ પોષી પૂનમને ભાવિકો 'બોર પૂનમ' તરીકે પણ ઓળખે છે.

