Kheda: ખેડા જિલ્લામાં રબારી યુવક સાથે ભાગીને પ્રેમલગ્ન કરનારી પાટીદાર સમાજની 19 વર્ષીય યુવતીની હજુ સુધી કોઈ ભાળ ના મળતા પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ દીકરીની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
રબારી સમાજના રિવાજ પ્રમાણે છુટૂ કરવા માટે 25 લાખ રૂપિયા માંગ્યા
આ અંગે દિનેશ બાંભણિયાએ જણાવ્યું કે, પ્રાથમિક શાળામાં આચાર્ય એવા રણછોડ માસ્તર સાથે અમે બે વખત રૂબરું મુલાકાત કરી હતી. આ સમયે તેમના પરિવારના સભ્યોએ આશ્વાસન આપ્યું હતું કે, બે દિવસમાં અમે તમને દીકરી સોંપી દઈશું.
આ પણ વાંચો
જો કે બે દિવસ બાદ રણછોડ માસ્તરનો કોઈ પત્તો નથી લાગતો. આથી અમે પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે કે, અમારી દીકરી સાથે કંઈ અઘટિત થયું હોઈ શકે છે.
અગાઉ મોડાસા ખાતે જ્યારે દીકરીને લાવવામાં આવી, ત્યારે પણ રણછોડ માસ્તરે ત્યાંના અનેક યુવકોની મદદ લઈને દીકરીને રજૂ કરી હતી. જો કે કઠલાલ પોલીસ લેવા દીકરીને લેવા ગઈ, ત્યારે તે લોકો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આથી અમે શંકા છે કે, અમારી દીકરી સાથે દબાણપૂર્વક લગ્ન કરાવવામાં આવ્યા છે.
અમારી દીકરી સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે ગઈકાલે બપોરના સમયે દીકરીની માતા અને પરિવારની અન્ય મહિલા પણ રણછોડ માસ્તરના ઘરે ગયા હતા. જો કે તે સમયે રણછોડ માસ્તરના ભાઈ રામજી ભુવાએ જણાવ્યું હતું કે, અમારા રબારી સમાજમાં રિવાજ પ્રમાણે છૂટું કરવું હોય તો તમારે 25 લાખ રૂપિયા આપવા પડશે. હવે જો તમારે તમારી દીકરી જોઈતી હોય, તો 25 લાખ રૂપિયા આપવા પડશે.
પૈસા ના હોય, તો તમારી દીકરીને ભૂલી જજો
જો કે માતાએ આટલા રૂપિયા આપવા અસમર્થતા દર્શાવીને કરગર્યા છતાં પણ તેઓ એક જ વાતનું રટણ કરતાં હતા કે, છૂટું કરવું હોય તો 25 લાખ રૂપિયા આપવા જ પડશે. જે બાદ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. જ્યાંથી પરત ફર્યા ત્યારે તે લોકોએ કહ્યું કે, હવે તમે તમારી દીકરીને ભૂલી જજો. જો તમે પૈસા નહીં આપો, તો તમારી દીકરીના અંશો પણ તમને નહીં મળે.
આથી મેં સમાજના તમામ આગેવાનો સાથે તાત્કાલિક નડિયાદ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. અમે LCB અને કઠલાલ પોલીસને પણ ફરિયાદ આપી છે. છેલ્લા 15 દિવસથી અમારી દીકરીને ક્યારેય કોઈની સમક્ષ હાજર નથી કરવામાં આવી. આથી અમને દીકરીની હત્યા થઈ હોવાની આશંકા છે.
જવાબદાર સરકારી કર્મચારીઓની નોકરી અમે ખાઈ જઈશું
આ અંગે પાટીદાર આગેવાન વરુણ પટેલે પણ ચેતવણીના સુરમાં જણાવ્યું છે કે, આ મામલે રણછોડ માસ્તર અને તેમના ભાઈ ઉપર તાત્કાલિક ખંડણીની અને લૂંટની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવે. આ સાથે પોલીસ સ્ટાફમાં તેમના (રબારી) સમાજના ત્રણ લોકો સંડોવાયેલા છે, તેમને તાત્કાલિ અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે.
તેમજ ગુમસુધાની અને એટેમ્પ્ટ ટૂ મર્ડરની પાકી FIR દાખલ કરવામાં આવે. જેમાં હત્યાના આરોપી તરીકે રણછોડ રબારી, તેમના ભાઈ અને ત્રણેય પોલીસ સ્ટાફના કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવે. જો અમારી દીકરીને કંઈ પણ થયું અને તે પાછી ના મળી, તો આ પાંચેય સરકારી કર્મચારીઓની નોકરી અમે ખાઈ જઈશુ અને આ તમામ જેલમાં જશે.
