Amreli: અમરેલી જિલ્લાના રાજુલા ગ્રામ્ય યુવતીના ગુમ થવા મામલે સર્જાયેલા વિવાદે હવે નવો વળાંક લીધો છે. સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી નેહા નામની યુવતીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કરી સ્પષ્ટતા કરી છે કે, તેણે પોતાની મરજીથી આંતરજ્ઞાતિય લગ્ન કરી લીધા છે અને તે સુરક્ષિત છે.
સુરત બ્યુટી પાર્લરનો કોર્સ કરવા ગયેલી નેહા લાપત્તા થઈ હતી
આજથી 10 દિવસ પૂર્વે રાજુલા ગ્રામ્યની નેહા નામની યુવતી સુરત ખાતે બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહી ઘરેથી નીકળી હતી. લાંબા સમય સુધી નેહાનો સંપર્ક ન થતા પરિવારજનોએ ચિંતાતુર બની પોલીસમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સ્થાનિક સ્તરે અને સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યા હતા.
એવામાં સોશિયલ મીડિયામાં નેહાનો વીડિયો સામે આવ્યો છે. જેમાં નેહા અને તેના પતિ મુહીશ (મોઈઝ) ફિરાઈએ ચોંકાવનારા ખુલાસા કરવા સાથે ગંભીર આક્ષેપો કર્યો છે.
હિન્દુ સંગઠનોને નેહાની વિનંતી- મેં મારી મરજીથી મુહીશ સાથે લગ્ન કર્યાં
પોતાના વીડિયોમાં નેહા જણાવી રહી છે કે, મારા પરિવારને છેલ્લા એક વર્ષથી મારા અને મુહીસના સબંધો વિશે જાણ હતી. જેને લઈને મને ત્રણ થી ચાર મહિના સુધી ઘરમાં પુરીને રાખવામાં આવી હતી. આ સાથે જ મને મારઝૂડ કરીને મેન્ટલી ટોર્ચર કરવામાં આવતી હતી. મેં મુહીસ સાથે મારી મારજીથી લગ્ન કર્યાં છે. જેના માટે કોઈ પણ પ્રકારનું દબાણ નથી કરવામાં આવ્યું.
આ સાથે જ વીડિયોમાં નેહા અને મુહીસ હિન્દુ સંગઠનો અને રાજકીય નેતાઓને વિનંતી કરી રહ્યા છે કે, આ મામલે અમારા પર ખોટી રીતે દબાણ કરીને અમને હેરાન ના કરવામાં આવે.
નેહા 3 મહિનાથી લગ્ન કરીને સાથે રહે છે અને અમે ખુશ છીએઃ મુહીશ
વધુમાં નેહાએ ગંભીર ચેતવણી આપતા જણાવ્યું કે, જો આગામી દિવસોમાં મને, મારા પતિ કે મારા સાસરી પક્ષને ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની તકલીફ પડશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મારા પિયર પક્ષની જ રહેશે.
જ્યારે મુહીશે પણ જણાવ્યું કે, તેઓ છેલ્લા 3 મહિનાથી લગ્ન કરીને સાથે રહે છે અને અમે બન્ને ખુશ છીએ. આથી આ બાબતે અમને ખોટી રીતે હેરાન ના કરવામાં આવે.
