Kheda: ખેડા જિલ્લાના મહેમદાવાદમાં પરિણીતાએ વિધર્મી યુવકના ત્રાસથી ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. મૃતકે અંતિમ પગલુ ભરતા પહેલા સ્યુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પોતાને પરેશાન કરનાર વિધર્મી યુવકને સજા અપાવવાની વાત લખી છે.
આ મામલે મૃતકના અમદાવાદ ખાતે રહેતા ભાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, મારી નાની બેન પારુલ ઉર્ફે કાજલના લગ્ન મહેમદાવાદ ખાતે રહેતા પ્રકાશ પ્રજાપતિ સાથે કરવામાં આવ્યા હતા. આ લગ્નજીવનથી તેમને બે સંતાનો પણ છે. આજથી પાંચેક મહિના અગાઉ મારી બેનને મહેમદાવાદના વાવ ફળિયામાં રહેતા તોસીફ પઠાણ ફોન કરીને તેમજ મેસે કરીને પરેશાન કરતો હતો. આટલું જ નહીં, ગત માર્ચ મહિનામાં તોસીફ પઠાણે મારી બેનના ઘરે જઈને તેની છેડતી કરી હતી. આ મામલે મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં તોસીફખાન વિરુદ્ધ છેડતીની ફરિયાદ પણ નોંધાવી હતી.
આમ છતાં તોસીફ ખાન વારંવાર અજાણ્યા નંબરો પરથી મારી બેનને ફોન કરીને હેરાન કરતો હતો. તેમજ વ્હોટ્સઅપ પર મેસેજ કરીને કહેતો હતો કે, તું મારી સાથે નહીં, બોલે તો તારા ઘરવાળાને પતાવી દઈશ અને તને બદનામ કરી નાંખીશ. બસ ત્યારથી મારી બેન ટેન્શનમાં રહેતી હતી.
ગઈકાલે મારા બનેવી પ્રકાશભાઈએ મને ફોન કરીને જણાવ્યું હતું કે, તારી પારુલબેને ગળે ફાંસો ખાઈ લીધો છે. જે બાદ ઘરમાં તપાસ કરતા જૂની ડાયરી મળી આવી હતી. જેમાં વચ્ચેના પાનામાં સ્યુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, 'તોસીફ પઠાણે મારી જિંદગી બરબાદ કરી નાંખી છે અને કોલ કરી બ્લેકમેલ કરી પૈસાની માંગણી કરી, પૈસા નહીં આપે તો તારા પતિ પ્રકાશને પતાવી દઇશ તેવી ધમકી આપે છે. તોસીફ પઠાણનો કેસ બંધ ના કરશો તેને સજા અપાવશો. મારૂ આત્મહત્યા કરવાનું કારણ તોસીફ પઠાણ છે અને મારૂ આ પગલુ ભરવા માટે તોસીફ પઠાણ જવાબદાર છે.'
હાલ તો મહેમદાવાદ પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે વિધર્મી તોસીફ પઠાણ વિરુદ્ધ IPCની 306 કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
