Kheda: ગુજરાત ATSની ટીમને મોટી સફળતા સાંપડી છે. જેમાં પંજાબમાં હત્યાના ગુનામાં છેલ્લા દોઢ મહિનાથી ફરાર બે આરોપીઓને નડિયાદ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યા છે. ખાસ વાત એ છે કે, બન્ને વૉન્ટેડ આરોપીઓ નડિયાદમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજૂરી કામ કરતા હતા અને અહીં જ મજૂર કૉલોનીમાં રહેતા હતા.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગત 9 માર્ચના રોજ પંજાબના અમૃતસર જિલ્લાના મહેતા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો. જેમાં મુખ્ય આરોપી શરનજીતસિંઘ અને વિશ્વંભરની પંજાબ પોલીસ દ્વારા જે-તે સમયે અટકાયત કરવામાં આવી હતી. જેમની પૂછપરછ દરમિયાન તેમણે હત્યામાં સંડોવાયેલા પોતાના અન્ય સાગરિતો બિલ્લા મંગા, બિક્રમજીતસિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘના નામ આપ્યા હતા.
આ પણ વાંચો
આ વિગતો પંજાબ પોલીસ દ્વારા ગુજરાત ATSની ટીમને આપવામાં આવી હતી. જેની તપાસ દરમિયાન ATSની ટીમને બાતમી મળી હતી કે, વોન્ટેડ હત્યારો બિક્કા અને બિક્રમજીતસિંઘ અમરજીતસિંઘ નડિયાદ ખાતે ચાલી રહેલ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજૂરી કરે છે અને ત્યાં જ ઉભી કરવામાં આવેલી મજૂર કોલોનીમાં રહે છે.
આ બાતમીના આધારે ATSની ટીમે નડિયાદ પહોંચી બન્નેની અટકાયત કરીને તેમને અમદાવાદ લાવ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં, બન્ને આરોપીઓએ શરનજીતસિંઘ અને વિશ્વંભર સાથે મળી અમૃસરના તિમ્મોવાલ ખાતે હત્યાનો પ્રયાસ તેમજ ચુંગગામમાં હત્યાના કાવતરામાં સંડોવાયા હોવાની કબૂલાત કરી હતી. હાલ તો ATS દ્વારા બન્ને આરોપીઓે પંજાબ પોલીસને સોંપવા સહિત આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
