Vadodara: વડોદરા શહેરના મધ્યમાં આવેલી ઐતિહાસિક અને ગાયકવાડી જમાનાની ધરોહર સમાન માંડવી દરવાજાના કાંગરા ખરી રહ્યા છે, ત્યારે શહેરની ઐતિહાસિક ઈમારતો, ચાર દરવાજા અને હેરિટેજ બિલ્ડીંગો બચાવવા માટે કોંગ્રેસ દ્વારા આજે માંડવી દરવાજા પાસે પ્લે કાર્ડ સહિત દેખાવો કરવામાં આવ્યા હતા. આ દરમિયાન શહેર કોંગ્રેસના પ્રમુખ સહિત 20 કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કલાનગરીની વડોદરાની ઐતિહાસિક બિલ્ડીંગ અને ગાયકવાડી જમાનાની ધરોહર સમાન શહેરના ચાર દરવાજા સહિત માંડવી દરવાજાની જાળવણી માટે શહેર કોંગ્રેસ દ્વારા પ્લે કાર્ડ સાથે આજે દેખાવો કરવામાં આવ્યા હતા. ઐતિહાસિક, હેરિટેજ બિલ્ડીંગ માંડવીના કાંગરા ખરી ગયા છે અને લોખંડના ગર્ડરો મૂકીને ચારે બાજુએ કતાન ઢાંકી દેવાયા બાદ રિપેરીંગ કામ ગોકળગાયની ગતિએ થઈ રહ્યું છે.
આ પણ વાંચો
શહેરની તમામ ઐતિહાસિક હેરિટેજ બિલ્ડીંગોની યોગ્ય રીતે જાળવણી સહિત જરૂર મુજબ રિપેરીંગની કામગીરી પણ તાત્કાલિક ધોરણે કરવા માટે શહેર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે. માંડવી દરવાજા પાસે એકત્ર થયેલા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશી સહિત કોર્પોરેટરો તથા અસંખ્ય કાર્યકરો પણ જોડાતા પોલીસે 20 લોકોની અટકાયત કરી હતી.
