Kheda: નડિયાદમાં ઔષધ નિયમન તંત્રને મોટી સફળતા,કાળા મરીમાં ભેળસેળ કરતું ગોડાઉન ઝડપી પાડ્યું; રૂ. 9 લાખનો શંકાસ્પદ જથ્થો જપ્ત

જય અંબે સ્પાઈસીસના ગોડાઉનમાં કાળા મરીના રો-મટીરીયલ ઉપર ગુંદર પાવડર અને સ્ટાર્ચ પાવડરનો કોટીંગ કરી ઓઈલમાં પોલિશ કરાતી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 10:18 PM (IST)Updated: Tue, 01 Oct 2024 10:19 PM (IST)
kheda-news-food-and-drugs-department-raid-godown-at-jay-ambe-spices

Kheda: રાજ્યના નાગરિકોની જીવન જરૂરી ખાદ્ય ચીજ વસ્તુઓ શુદ્ધ, સલામત અને ગુણવત્તા યુક્ત મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ છે. રાજ્યમાં ખાદ્યચીજોના નમૂનાનું પરીક્ષણ કરી ભેળસેળ કરતાં લેભાગુ તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ખેડા જિલ્લાના નડિયાદમાંથી કાળા મરીમાં ભેળસેળ કરતા ગોડાઉનને ઝડપી પાડ્યું છે.

હકીકતમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, નડિયાદ અને SOG પોલીસ નડિયાદની ટીમ બાતમી મળી હતી કે, નડિયાદના ડભાણમાં આવેલા ભાડિયા વિસ્તારના સર્વે.નં 434માં આવેલ જય અંબે સ્પાઈસીસમાં શંકાસ્પદ રીતે કાળા મરીમાં ભેળસેળ કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે દરોડો પાડતા મે. જય અંબે સ્પાઇસીસ પાસે FSSAIનું લાઈસન્સ પણ ના હોવાનું ધ્યાને આવ્યું હતુ.

વધુ તપાસમાં તપાસમાં જય અંબે સ્પાઈસીસ ગોડાઉનનાં ધંધાના માલિક ધીરેન વાસુદેવ પટેલ સ્થળ ઉપર હાજર હતા. અને તેઓને સ્થળ ઉપર જોવા મળેલ ધંધા અર્થે પૂછતા તેઓએ જણાવેલ કે, તેઓ દ્વારા કાળા મરીનું રો-મટીરીયલ લાવી તેની ઉપર ગુંદર પાવડર અને સ્ટાર્ચ પાવડરનો કોટીંગ કરી તેના ઉપર તેઓની પાસે રહેલ ઓઈલમાં પોલિશ કરી માલનું વજન વધારે પકડાય તે અર્થે ધંધો કરે છે.

આથી તંત્ર દ્વારા માલિક ધીરેન વાસુદેવ પટેલની હાજરીમાં કાળા મરી, સ્ટાર્ચ પાઉડર, ઓઈલ અને ગુંદર ના એમ કુલ -5 (પાંચ) નમૂના લેવામાં આવ્યા હતા. જ્યારે બાકીનો આશરે 2600 કિગ્રા જથ્થો કે જેની અંદાજીત કિંમત આશરે રૂ. 9 લાખ થી વધુ થવા જાય છે, તે શંકાસ્પદ જથ્થો જાહેર આરોગ્ય નાં હિતમાં સ્થળ ઉપર કાયદા મુજબ જપ્ત કરવામાં આવેલ છે. લીધેલ તમામ નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.

આ ખાદ્ય પદાર્થો બિન-આરોગ્યપ્રદ હોઈ તેમનો પૃથકકરણ અહેવાલ આવ્યા બાદ નિયમોનુસારની કોર્ટ કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ બાબતમાં આગળની ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે.