Chhota Udaipur: તુરખેડા ગામે રસ્તાના અભાવે સમયસર સારવાર ના મળતા પ્રસુતાનું મોત, નવજાત શિશુએ જન્મતાવેંત માતાની છત્રછાયા ગુમાવી

ગ્રામજનો ઝોળીમાં બાંધી લઈ જતા હતા ત્યારે રસ્તામાં જ પ્રસુતિ થઈ ગઈ, બાળકીને જન્મ આપ્યા બાદ માતાએ કાયમ માટે આંખો મીંચી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 01 Oct 2024 09:55 PM (IST)Updated: Tue, 01 Oct 2024 09:55 PM (IST)
chhota-udaipur-mother-died-after-deliver-baby-at-turkheda-village

Chhota Udaipur: વિકાસની હરણફાળ ભરી રહેલા ગુજરાતના આંતરિયાળ વિસ્તાર હજુ પણ વિકાસથી વંચિત છે. આ વાતને સાબિત કરતો એક કિસ્સો છોટા ઉદેપુર જિલ્લામાંથી સામે આવ્યો છે. જેમાં રસ્તાના અભાવે બાળકીને જન્મ આપતાની સાથે જ પ્રસુતા માતાને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, છોટા ઉદેપુર જિલ્લાના તુરખેડા ગામના બસ્કરીયા ફળિયામાં રહેતા કિશન ભીલની પત્ની કવિતાને પ્રસુતીની પીડા ઉપડી હતી. જેથી વહેલી પરોઢે 5 વાગ્યાના અરસામાં પરિવારજનો તેમજ ગ્રામજનો કવિતાને ઝોળીમાં નાંખીને ખભે ઊંચકીને ડુંગર ચડી ખડલા લઈ જતા હતા.

આ દરમિયાન રસ્તામાં જ કવિતાને પ્રસુતિ થઈ જતાં તેણીએ નવજાત બાળકીને જન્મ આપ્યો હતો. જો કે બાળકીને જન્મ આપતાની સાથે જ કવિતાએ કાયમ માટે આંખો મીચી દીધી હતી. જેના પગલે બાળકીએ જન્મ લેતાની સાથે જ માતાની છત્રછાયા ગુમાવવી પડી છે.

જણાવી દઈએ કે, ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યની ત્રિભેટે આવેલ અને છોટા ઉદેપુર જિલ્લાના ઉટી તરીકે ઓળખાતા તુરખેડા ગામમાં આઝાદીના 77 વર્ષ બાદ પણ આંતરિક રસ્તાનો અભાવ જોવા મળી રહ્યો છે. જેને લઇને ગામના લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. કોઈ બીમાર પડે, ત્યારે ઝોળી બનાવીને ઉંચકીને પાંચ કિલોમીટર ખડલા સુધી લઈ જવાની ફરજ પડે છે.