Kheda: ખેડા જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરમાં પરંપરાગત રીતે આજે અન્નકૂટ લૂંટવામાં આવ્યો હતો. જેમાં ડાકોર મંદિરની આસપાસના 80 ગામના નાગરિકોએ પોલીસની હાજરીમાં ભગવાન રણછોડરાયને ધરાવેલ અન્નકૂટની લૂંટ ચલાવી હતી.
હકીકતમાં ડાકોટ ટેમ્પલ ટ્રસ્ટ કમિટી દ્વારા 250 વર્ષ એટલે કે હાલના મંદિરના નિર્માણ કાળથી આ અન્નકૂટ લૂંટવાની પરંપરા અહીંના લોકરિવાજ મુજબ અમલમાં મૂકી છે. જેમાં ડાકોરની આસપાસના 80 જેટલા ગામના ભક્તો દ્વારા અન્નકૂટ લૂંટવામાં આવે છે. આ સમયે મોટી સંખ્યામાં ભક્તો અન્નકૂટ લૂંટના દર્શન અને પ્રસાદીનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.
આ પણ વાંચો
અન્નકૂટ લૂંટની પરંપરા વખતે દર વર્ષે આવા જ દ્રશ્યો સર્જાય છે. જેમાં રણછોડરાય મંદિરનો મુખ્ય દ્વારા ખોલવામાં આવે, તે સાથે જ 80 ગામના લોકો અન્નકૂટ પર તૂટી પડે છે. આ દરમિયાન ભગવાનને ધરાવેલી અન્નકૂટ લૂંટવા માટે ભક્તો એકબીજા પર પડાપડી કરે છે.
ખાસ વાત એ છે કે, મંદિર વહીવટી તંત્ર દ્વારા જ અન્નકૂટની લૂંટ માટે 80 ગામના ભક્તોને આમંત્રણ આપવામાં આવે છે. જેનો સ્વીકાર કરીને ભક્તો પોતાનો હક્ક સમજીને અન્નકૂટનો પ્રસાદ લઈ જતાં હોય છે.
જણાવી દઈએ કે, સમગ્ર દેશભરમાં માત્ર બે જ મંદિરમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા છે. જે પૈકી ડાકોર સિવાય રાજસ્થાનના નાથદ્વારામાં આવેલા મંદિરમાં વર્ષોથી આ અન્નકૂટ લૂંટની પરંપરા ચાલતી આવે છે. આજે પણ ડાકોર સ્થિત રણછોડરાય મંદિરમાં 125 મણ અન્નકૂટમાં બુંદી, ભાત, મીઠાઈ, ફ્રૂટ સહિત મિષ્ટાનની મહાપ્રસાદી રાખવામાં આવી હતી.
