Ahmedabad: દિવાળીએ અકસ્માતમાં 91%નો વધારો: દરરોજના 481 સામે એક જ દિવસમાં 921 બનાવ, અમદાવાદથી 108ને સૌથી વધુ 131 કૉલ મળ્યા

એક જ દિવસમાં મારામારીના બનાવોમાં 124 ટકાનો વધારો. સામાન્ય દિવસોમાં મારામારીના 144 કૉલની સામે ગઈકાલે 323 કૉલ રિસીવ કરવામાં આવ્યા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 01 Nov 2024 06:22 PM (IST)Updated: Fri, 01 Nov 2024 06:27 PM (IST)
ahmedabad-news-91-per-cent-increase-in-accidents-on-diwali-2024
HIGHLIGHTS
  • દિવાળીના દિવસે 108ની દોડધામ વધી
  • ગઈકાલે 15 જિલ્લામાં દાઝી જવાના 38 બનાવ નોંધાયા

Ahmedabad: અત્યારે ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવાળીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ કરીને તહેવારો ટાળે આકસ્મિક ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. આથી 108ની ટીમ દ્વારા દિવાળીના તહેવારો દરમિયાન કોઈપણ પ્રકારની આકસ્મિક ઘટનાઓને પહોંચી વળવા માટે આગોતરું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગઈકાલે દિવાળીના એક જ દિવસમાં ગુજરાતભરમાં અકસ્માતોની વણઝાર જોવા મળી છે.

108 દ્વારા દિવાળીના એક દિવસના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જેમાં જણાવ્યા મુજબ, ગઈકાલે એક જ દિવસમાં સમગ્ર ગુજરાતમાં અકસ્માતના 921 ઈમરજન્સી કેસ નોંધાયા છે. જે સામાન્ય દિવસોમાં દરરોજના 481 રહેતા હોય છે. આમ એક જ દિવસમાં અકસ્માતના બનાવમાં 91.48 ટકાનો વધારો જોવા મળ્યો છે.

જે પૈકી સૌથી વધુ 131 કૉલ અમદાવાદમાંથી આવ્યા છે. જે સામાન્ય દિવસોમાં 90 રહેતા હોય છે. આવી જ રીતે અન્ય જિલ્લાના આંકડા જોઈએ તો, સુરતમાં 92, રાજકોટમાં 48, પંચમહાલમાં 47,દાહોદમાં 40 અને વડોદરામાં 59 અકસ્માતના બનાવો સામે આવ્યા છે.

આવી જ રીતે દિવાળીના એક જ દિવસમાં મારામારીના બનાવોમાં પણ 124.31 ટકાનો વધારો જોવા મળ્યો છે. સામાન્ય દિવસોમાં મારામારીના 144 કૉલની સામે ગઈકાલે એક જ દિવસમાં 323 ઈમરજન્સી કોલ નોંધાયા હતા. જે પૈકી સૌથી વધુ 77 કૉલ માત્ર અમદાવાદ શહેરમાંથી નોંધાયા છે. જે આંકડો સામાન્ય દિવસોમાં 35 રહેતો હોય છે. જ્યારે અન્ય જિલ્લાના આંકડા જોઈએ તો, સુરતમાં 33, રાજકોટમાં 18,પંચમહાલમાં 21, મહેસાણામાં 15 મારામારીના કેસ સામે આવ્યા છે.

ગુજરાતના 15 જિલ્લામાં દિવાળીના દિવસે ફટાકડા ફોડવાના કારણે દાઝી જવાના 38 કેસ નોંધાયા છે. જે પૈકી અમદાવાદમાં 8, સુરતમાં 6, ભરૂચમાં 5, જામનગર-રાજકોટમાં 3-3, ગાંધીનગર-મોરબીમાં 2-2 કૉલ રિસીવ કરવામાં આવ્યા છે.