Mobile Blast: આપણે અનેક વખત મોબાઈલમાં બ્લાસ્ટની ઘટનાઓ વિશે સાંભળી ચૂક્યા છે. જેમાં વ્યક્તિના ખિસ્સામાં રહેલ સ્માર્ટફોન તો કોઈ વખત ચાર્જિગમાં મૂકેલો ફોન અચાનક ધડાકા સાથે ફાટે છે. આ બ્લાસ્ટ એટલો ભયંકર હોય છે કે જેના કારણે વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડે છે. જો કે મધ્ય પ્રદેશમાં મોબાઈલ બ્લાસ્ટનો વિચિત્ર બનાવ સામે આવ્યો છે. જેમાં ગરમ તેલની કડાઈમાં ભૂલથી પડેલા મોબાઈલમાં બ્લાસ્ટ થતાં ગંભીર રીતે દાઝેલા યુવકનું મોત થયું છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભીંડ જિલ્લાના લહાર ગામમાં રહેતો ચંદ્રપ્રકાશ દોહરે (40) ગત બુધવારે રાતે 8 વાગ્યાની આસપાસ પોતાના ઘરે રસોઈ બનાવી રહ્યો હતો. આ સમયે રામપ્રકાશે પોતાનો મોબાઈલ શર્ટના ઉપરના ખિસ્સામાં મૂક્યો હતો. જેવો ચંદ્રપ્રકાશ નમ્યો તે સાથે જ શર્ટના ખિસ્સામાં રહેલો મોબાઈલ ઉકળતા તેલની કડાઈમાં પડી ગયો.
આ પણ વાંચો
જેથી ચંદ્રપ્રકાશે કડાઈમાંથી મોબાઈલ નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, ત્યારે જ બેટરી ધડાકાભેર સાથે ફાટી ગઈ હતી. જેથી ગરમ તેલ ચંદ્રપ્રકાશ પર ઉડતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. આથી પરિવારના સભ્યો તાત્કાલિક ચંદ્રપ્રકાશને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ચંદ્રપ્રકાશની હાલત ગંભીર હોવાથી તેને ગ્વાલિયરની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જેથી પરિવારના સભ્યો ચંદ્રપ્રકાશને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા, ત્યાં રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતુ.
પ્રાથમિક પૂછપરછમાં મૃતક ચંદ્રપ્રકાશ પંચરની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આજથી 18 વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા અને સંતાનમાં તેને 14 અને 8 વર્ષના બે પુત્રો છે. જે સમયે ચંદ્રપ્રકાશ સાથે દુર્ઘટના ઘટી, તે સમયે તેની પત્ની ઘરની બહાર ભેંસને ચારો નાંખવા ગઈ હોવાનું સામે આવ્યું છે.
