Kheda: કનીજની મેશ્વો નદીમાં ન્હાવા પડેલા મામા-ફોઈના 6 સંતાનો ડૂબ્યા, 4ના મૃતદેહ મળ્યા

મૃતકો અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા હતા. જે વેકેશન માણવા માટે સબંધીના ઘરે મહેમદાબાદના કનીજ ખાતે આવ્યા અને કાળ ભરખી ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 30 Apr 2025 09:47 PM (IST)Updated: Wed, 30 Apr 2025 09:47 PM (IST)
kheda-news-6-drown-on-meshwo-river-at-mahemdavad-4-found-dead
HIGHLIGHTS
  • નદીના ઊંડા પાણીમાં ગરકાવ બે હજુ પણ લાપત્તા

Kheda: ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીથી રાહત મેળવવા માટે નદી, કેનાલ કે તળાવમાં ન્હાવા પડ્યા બાદ ડૂબીને મોતને ભેટતા હોય, તેવા બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. આવો જ વધુ એક બનાવ ખેડા જિલ્લાના મહેમદાબાદમાંથી સામે આવ્યો છે. જેમાં મેશ્વો નદીમાં ન્હાવા પડેલા 6 જણા ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતાં મોતને ભેટ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા મામા-ફોઈના સગીર સંતાનો વેકેશન માણવા માટે મહેમદાબાદના કનીજ ખાતે સબંધીના ઘરે આવ્યા હતા. જ્યાં આજે બપોરના સમયે 6 લોકો કનીજ નજીકથી પસાર થતી મેશ્વો નદીમાં ન્હાવા પડ્યા હતા. આ દરમિયાન એક પછી એક 6 જણાં નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

બીજી તરફ આ બનાવની જાણ થતાં સ્થાનિક પોલીસ, મામલતદાર, પોલીસ અને ફાયર બ્રિગેડ અને ધારાસભ્ય સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં ફાયર બ્રિગેડ દ્વારા એક પછી એક 4 સગીરોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે હજુ પણ પાણીમાં રહેલા બે લોકોની શોધખોળ ચાલી રહી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકોની ઓળખ અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા જીનલ સોલંકી, દિવ્યા સોલંકી, ફાલ્ગુની અને ધ્રુવ તરીકે થઈ છે. જ્યારે કનીજમાં રહેતી ભૂમિકા અને નરોડામાં રહેતો મયુર હજુ પણ લાપત્તા છે. આ તમામ મામા-ફોઈના સંતાનો થતાં હોવાનું માલૂમ પડ્યું છે.