Amul Milk Price Hike: ગુજરાતની સૌથી મોટી સહકારી દૂધ ડેરી અમૂલ દ્વારા દૂધની તમામ બ્રાન્ડ પર લિટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ભાવ વધારો આજે રાતે 12 વાગ્યા પછી અમલી થઈ જશે.
આણંદ સ્થિત ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા કરવામાં આવેલી જાહેરાત અનુસાર, આણંદ અને ખેડા જિલ્લા સહિતના જિલ્લામાં આવતીકાલે એટલે કે આજે રાતે 12 વાગ્યા પછી દૂધનો નવો ભાવ અમલી થઈ જશે. જેમાં અમૂલની તમામ બ્રાન્ડના લિટર દૂધની થેલી પર 2 રૂપિયા અને અડધા લિટરના પેક પર 1 રૂપિયો વધારે લેવામાં આવશે.
જો નવા ભાવની યાદી જોઈએ તો, અમૂલ ગોલ્ડની 500 મિલી દૂધની થેલીના 33 રૂપિયાની જગ્યાએ 34 રૂપિયા થઈ જશે, જ્યારે 1 લિટરનો ભાવ 65થી વધીને 67 થઈ જશે. અમૂલ ટી-સ્પેશિયલ 500 મિલીનો ભાવ 31 રૂપિયાથી વધીને 32 અને 1 લિટરનો ભાવ 61ની જગ્યાએ 63 થઈ જશે. અમૂલ તાઝા દૂધનો 1 લિટરનો ભાવ 53ની જગ્યાએ 55 થઈ જશે. જ્યારે અમૂલ ગાયના દૂધની 500 મિલીના પેકની કિંમત 28ની જગ્યાએ 29 થઈ જશે. જ્યારે બફેલો મિલ્કની 500 મિલીનો નવો ભાવ 37 રૂપિયા થઈ જશે.
અગાઉ જાન્યુઆરી મહિનાના અંતમાં અમૂલ દ્વારા તમામ બ્રાન્ડના 1 લિટરના પેકિંગમાં એક રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. જો કે તે સમયે 500 મિલીના ભાવમાં કોઈ ફેરફાર નહતો કરવામાં આવ્યો. તે સમયે ગુજરાત મિલ્ક ફેડરેશનના MDએ જણાવ્યું હતું કે, અમૂલ બ્રાન્ડના ગ્રાહકો દ્વારા દૂધની દૈનિક જરૂરિયાત ધ્યાને લઈને તેઓને આર્થિક રીતે પરવડે અને મોટી માત્રામાં દૂધની ખરીદી કરતાં ગ્રાહકોને આર્થિક ભારણ ના વર્તાય તે માટે પ્રતિ લિટરના પાઉચમાં ભાવ ઘટાડાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતુ. જો કે હવે ફરીથી અમૂલની તમામ બ્રાન્ડની દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે. આ સાથે જ ચાની ચુસ્કી પણ મોંઘી પડે તેવી શક્યતા જોવાઈ રહી છે.
