કપડવંજની નર્મદા કેનાલમાં કરુણાંતિકાઃ એક જ પરિવારના 4 સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ; માતાએ બે પુત્રીઓ સાથે પડતું મૂક્યા બાદ પિતા પણ કૂદ્યા

માતાએ સૌ પ્રથમ પોતાની બે દીકરીઓને કેનાલમાં ફેંકી દીધી અને પછી પોતે પણ ઝંપલાવ્યું. પરિવારને ડૂબતો જોઈ પતિએ પણ કૂદકો માર્યો અને ચારેય તણાયા

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 09 May 2026 01:18 AM (IST)Updated: Sat, 09 May 2026 04:21 PM (IST)
kheda-news-4-members-of-the-family-drown-in-deep-water-in-narmada-canal-at-kapadvanj
HIGHLIGHTS
  • ફાયર બ્રિગેડને માતા-બે પુત્રીઓના મૃતદેહ હાથ લાગ્યા, પિતા લાપત્તા

Kheda: ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં એક પરિવારના ચાર સભ્યો ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જેમાં સૌ પ્રથમ એક પરિણીતાએ પોતાની બે પુત્રીઓ સાથે નર્મદા કેનાલમાં કૂદીને આપઘાત કર્યો હતો.

આ બાબતની જાણ થતાં તેમને બચાવવા માટે પતિએ પણ કેનાલમાં પડતું મૂક્યું હતુ. આ ઘટનામાં માતા અને બન્ને બાળકોના મોત નીપજ્યા છે, જ્યારે તેમને બચાવવા કૂદેલો પતિ પાણીમાં લાપતા હોવાથી તેની શોધખોળ ચાલી રહી છે.

પહેલા બન્ને પુત્રીઓને કેનાલમાં ફેંકી દીધા બાદ પોતે પણ પડતુ મૂક્યું

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, એક મહિલા આજે પોતાની બે પુત્રીઓને લઈને ફાતિયાવાદ નર્મદા કેનાલના પુલ પર પહોંચી હતી. સૌ પ્રથમ મહિલાએ પોતાની બન્ને પુત્રીઓને ઉપરથી કેનાલમાં ફેંકી દીધી હતી. જે બાદ પોતે પણ નહેરમાં મોતની છલાંગ લગાવી હતી.

નજર સામે પરિવારને ડૂબતો જોઈ પતિ પણ કૂદ્યો

ખાસ વાત એ છે કે, આ સમયે મહિલાનો પતિ પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો. જેણે પોતાની નજર સામે જ પત્ની અને બાળકોને ડૂબતા જોતા પળનો પણ વિચાર કર્યાં વિના પાણીમાં ઝંપલાવ્યું હતુ. જો કે કેનાલના ઊંડા પાણીમાં ચારેય ગરકાવ થઈ ગયા હતા.

naidunia_image

આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો કેનાલના કાંઠે એકઠા થઈ ગયા હતા. બીજી તરફ આ બાબતની જાણ થતાં કપડવંજ ફાયર બ્રિગેડ અને આંતરસુબા પોલીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. જેમણે તાત્કાલિક રેસ્ક્યુ ઑપરેશન હાથ ધર્યું હતુ. જો કે કમનસીબે ભારે મહિલા અને બન્ને પુત્રીઓના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. જ્યારે પરિણીતાનો પતિની હજુ સુધી કોઈ ભાળ મળી નથી.

પ્રાથમિક તપાસમાં પરિવાર ભાવાના મુવાડા ગામનો વતની હોવાનું અને પરિવારમાં વિખવાદના કારણે અંતિમ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. હાલ તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને માતા-પુત્રીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.