Kheda Road Accident: ખેડા જિલ્લાના માતર-તારાપુર રોડ પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ઈકો કારે મુસાફરોથી ભરેલી રિક્ષાને ઠોકરે ચડાવતા 3 લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે 4 લોકોની હાલત ગંભીર છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, માતર-તારાપુર રોડ પર મુસાફરોને લઈને જતી રિક્ષા ખોડિયાર ચોકડી નજીકથી પસાર થઈ રહી હતી. આ સમયે પુરપાટ આવતી ઈકો કારે રિક્ષાને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો.
મુસાફરોની મરણચીસો અને ટક્કરનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના સ્થાનિકો તેમજ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. જેમણે રિક્ષામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ, 108 એમ્બ્યુલન્સનો કાફલો તેમજ સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમાર પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા. જ્યાં 108ની ટીમે સ્થળ પર જ 3 મુસાફરોને મૃત જાહેર કર્યાં હતા. જ્યારે અન્ય 4 મુસાફરોને ગંભીર ઈજા પહોંચી હોવાથી તેમને સારવાર માટે ખેડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના પગલે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જો કે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવીને વાહન વ્યવહાર પૂર્વવત કર્યો હતો. હાલ તો માતર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
