Morbi: પ્રેમ સબંધમા જયારે દગો મળે ત્યારે ભલભલો માણસ પણ ગમે તે આકરુ પગલુ ભરવા તૈયાર થઇ જાય છે, ત્યારે મોરબી જિલ્લાનાં વાંકાનેર તાલુકામાં પંચાસીયા ગામમાં રહેતા યુવકે પોલીસ મથકમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે.
હકીકતમાં યુવકને જે યુવતી સાથે પ્રેમ સબંધ હતો, તેના પરિવારજનોને જાણ થઇ જતા યુવતી અને પરીવારજનોએ યુવક સામે પોલીસમાં છેડતી સહિતની અરજી આપી હતી. આથી યુવક પણ પોલીસ મથકમાં અરજી કરવા પહોંચ્યો હતો, જયા પોલીસે અરજી ન લેતા ગમગીન થયેલા યુવાને પોલીસ મથકમાં જ ઝેર પી આપઘાતનો પ્રયાસ કરી લીધો હતો. જેથી તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવીલ હોસ્પીટલમા સારવાર માટે ખસેડાયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, વાંકાનેરનાં પંચાસીયા ગામે રહેતા વિજય મોહન ચાવડા નામનાં યુવાને ગઇકાલે સાંજે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ઝેર પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
વિજયે આક્ષેપ સાથે જણાવ્યુ હતુ કે, તેને તેમનાં ઘર નજીક રહેતી એક યુવતી સાથે છેલ્લા 4 વર્ષથી પ્રેમ સબંધ હતો. આ વાતની જાણ યુવતીનાં માતા - પિતાને થઇ જતા તેમણે વાંકાનેર તાલુકા પોલીસમાં પહોંચી વિજય વિરુદ્ધ અરજી કરી હતી.
આ વાતની જાણ વિજયને થતા તે પણ પોતાની માતા અને બહેન એમ ત્રણેય મળીને પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં યુવતી અને તેના પરિવારજનો વિરુદ્ધ વળતી ફરીયાદ કરવા જતા પોલીસે અરજી ન લેતા તેમને લાગી આવ્યુ હતુ. આખરે હતાશ વિજયે પોલીસ મથકે ઝેરી દવા પી લીધી હતી.
જે બાદ પોલીસનાં સ્ટાફે અને તેમનાં પરીવારજનોએ વિજયને રાજકોટની સિવીલમાં ખસેડયો હતો. વિજય 3 ભાઇ એક બહેનમાં નાનો અને કારખાનામાં મજુરી કામ કરી પરીવારને મદદરુપ થાય છે. આ મામલે વાકાનેર સિટી પોલીસે વધુ તપાસ શરુ કરી છે.
