Morbi: ઘરેથી ભાગી જનારા બાલાસિનોરના પ્રેમી પંખીડાએ મોત મીઠું કર્યું, હાથમાં ચુંદડી બાંધી મચ્છુ નદીના પુલ પરથી પડતું મૂક્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 20 Aug 2024 07:04 PM (IST)Updated: Tue, 20 Aug 2024 07:04 PM (IST)
morbi-news-balasinor-lover-commit-suicide-by-jump-into-machchhu-river

Morbi: મોરબી જિલ્લાના માળિયાના હરીપર ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પરથી પ્રેમી પંખીડાએ ઝંપલાવીને જિંદગી ટૂંકાવી દીધી હોવાનો બનાવ સામે આવ્યો છે. હાલ તો પ્રેમી યુગલના મૃતદેહ બહાર કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, હરીપર ગામ નજીકથી પસાર થતી મચ્છુ નદીના પુલ પર એક બાઈક બિનવારસી મળી આવ્યું હતુ. જ્યારે નીચે નદીમાં એક લાશ તરતી હોવાની જાણ થતાં માળિયા મિયાણા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યાં તપાસ કરતાં બાઈક પાસેથી બે આધાર કાર્ડ મળી આવતા મૃતક પ્રેમી યુગલની ઓળખ થઈ હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં મૂળ મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના ધોડબાઈના મુવાડા ઓથવડા ગામે રહેતો સુનિલ ઠાકોર (24)ને પોતાના જ ગામની સગીરા અંકિતા (નામ બદલેલું) સાથે પ્રેમ સબંધ હતો. જો કે સુનિલ પોતાની પ્રેમિકા સગીર હોવાનું જાણતો નહતો અને તેને ભગાડી ગયો હતો. આ મામલે બાલાસિનોર પોલીસ મથકમાં સુનિલ વિરુદ્ધ અપહરણનો ગુનો પણ નોંધાયો હતો.

આ બાબતની જાણ થતાં સુનિલને મનમાં લાગી આવ્યું હતુ. જેથી સુનિલ અને અંકિતા બાઈક પર મચ્છુ નદીના પુલ પર આવ્યા હતા. જ્યાં એકબીજાના હાથમાં ચુંદડી બાંધીને નદીમાં ઝંપલાવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

હાલ તો પોલીસે પ્રેમી યુગલ પૈકી સુનિલનો મૃતદેહ માળિયાની સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે. જ્યારે તેની સગીર પ્રેમિકાનો મૃતદેહ 24 કલાક કરતાં વધુ સમય સુધી પાણીમાં રહેવાથી કોહવાઈ ગયો હોવાથી તેને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલમાં ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.