Patan: પાટણમાં આવેલી એક બૉય્ઝ હોસ્ટેલના એક રૂમમાંથી યુવક-યુવતી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. જેમાં યુવકે ચાદર વડે ફાંસો ખાધો હતો, જ્યારે નીચે પલંગ પર યુવતીની લાશ મળી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા બન્નેના મૃતદેહોનો કબજો લઈને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, પાટણના પાલિકા બજારની સામે આવેલી દેવ દર્શન કોમ્પલેક્સમાં ચાલતી જે.ડી. બૉય્સ હોસ્ટેલના એક રુમમાં યુવક અને યુવતીના શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં યુવકે ચાદર વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જ્યારે યુવતી નજીકમાં બેડ પરથી મૃત હાલતમાં મળી આવી હતી.
આ બાબતે હોસ્ટેલ સંચાલકો દ્વારા જાણ કરવામાં આવતા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો હતો.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવકની ઓળખ ઉત્તર પ્રદેશના રાહુલકુમાર તરીકે થઈ છે. જે દિલ્હીમાં અભ્યાસ કરતો હોવાનું અને પાટણની આ હોસ્ટેલમાં PG તરીકે રોકાયો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે યુવતી સ્થાનિક હોવાનું માલૂમ પડ્યું છે.
પ્રાથમિક દ્રષ્ટિએ બન્ને પ્રેમી પંખીડા હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ તો પાટણ બી-ડિવિઝન પોલીસે એડી દાખલ કરીને બન્ને મૃતકોના પરિવારજનોને આ બાબતે જાણ કરી દીધી છે.
