Morbi Farmers Protest: વીજ લાઈન અને વળતર મુદ્દે ખેડૂત આંદોલન વધુ ઉગ્ર બન્યું, હવે પૂર્વ સાંસદ મોહન કુંડરિયાના ગામમાં ભાજપ બહિષ્કારના બેનરો લાગ્યા

મોરબી જિલ્લામાં અત્યાર સુધી 110થી વધુ ગામોમાં 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે પ્રવેશબંધી અથવા વિરોધના બેનરો લગાવાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જેમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 2027ની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને ગામમાં પ્રવેશ ન આપવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 05:50 PM (IST)Updated: Tue, 18 Aug 2026 05:50 PM (IST)
morbi-farmers-protest-bjp-entry-banned-banners-in-mohan-kundariya-village-over-power-line-compensation

Morbi Farmer Protest: મોરબી જિલ્લામાં વીજલાઈન અને તેના વળતરનો મુદ્દો હવે માત્ર સરકારી તંત્ર સામેના ખેડૂત વિરોધ પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ રાજકીય વિરોધનું સ્વરૂપ પણ ધારણ કરતો જોવા મળી રહ્યો છે. જેતપર ગામેથી શરૂ થયેલું આંદોલન હવે વધુ ગામોમાં ફેલાઈ રહ્યું છે.

મંત્રી કાંતિ અમૃતિયાના ગામમાં વિરોધના બેનરો બાદ હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભાના પૂર્વ સાંસદ અને નાફેડના ડિરેક્ટર મોહનભાઈ કુંડારિયાના ગામ નીચી માંડલમાં પણ ખેડૂતો દ્વારા ભાજપના વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

નીચી માંડલના ખેડૂતોનો મુખ્ય મુદ્દો ખેતરોમાંથી પસાર થતી વીજલાઈન અને તેના કારણે જમીન તથા ખેતી પર પડનારી અસર સામે યોગ્ય વળતર અને સરકારની સ્પષ્ટ નીતિનો છે. ખેડૂતોનું કહેવું છે કે, તેમની માંગણીઓ અંગે સરકાર દ્વારા સ્પષ્ટ પરિપત્ર જાહેર કરવામાં નહીં આવે તો આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે વિરોધ કરવામાં આવશે.

ગામમાં લગાવવામાં આવેલા બેનરોમાં માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો 2027ની ચૂંટણી દરમિયાન ભાજપના ઉમેદવારોને ગામમાં પ્રવેશ ન આપવા અંગે ચેતવણી આપવામાં આવી છે.

ખેડૂત આગેવાનો તરફથી મોરબી જિલ્લામાં અત્યાર સુધી 110થી વધુ ગામોમાં 2027ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો સામે પ્રવેશબંધી અથવા વિરોધના બેનરો લગાવાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મોરબીમાં જેતપરથી શરૂ થયેલા આંદોલનનું નીચી માંડલ સુધી પહોંચવું એ સંકેત આપે છે કે, વીજલાઈનનો મુદ્દો હવે સ્થાનિક ખેડૂતો માટે લાંબા ગાળાનો પ્રશ્ન બની રહ્યો છે.

આગામી દિવસોમાં સરકાર ખેડૂતો સાથે વધુ ચર્ચા કરે છે કે, નવા પરિપત્ર અથવા સ્પષ્ટીકરણ દ્વારા તેમની બાકી માંગણીઓ દૂર કરે છે કે નહીં તેના પર આંદોલનની દિશા નિર્ભર રહેશે. બીજી તરફ 2027ની ચૂંટણી હજુ દૂર હોવા છતાં ગામડાઓમાં લગાવવામાં આવી રહેલા રાજકીય વિરોધના બેનરો સ્થાનિક રાજકીય સમીકરણો પર આ મુદ્દાની અસર અંગે ચર્ચા ચોક્કસ વધારી રહ્યા છે.