Chhota Udepur Rubber Dam Project: છોટા ઉદેપુરમાં ગુજરાતનો પ્રથમ રબર ડેમ બનીને તૈયાર, રૂ. 80 કરોડના પ્રોજેક્ટથી એંસી ગામોને જળસલામતી મળશે

છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર ₹80 કરોડના ખર્ચે ગુજરાતનો પ્રથમ રબર ડેમ અંતિમ તબક્કામાં છે. આ પ્રોજેક્ટ દક્ષિણ કોરિયન ટેક્નોલોજીથી 80 ગામોને પીવાનું અને સિંચાઈનું પાણી પૂરું પાડશે, તેમજ પૂર નિયંત્રણમાં મદદ કરશે. Chhota Udepur Rubber Dam Project:

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 05:07 PM (IST)Updated: Tue, 18 Aug 2026 05:07 PM (IST)
chhota-udepur-news-gujarat-first-rs-80-crore-rubber-dam-project-complete

પ્રશાંત ગજ્જર, Chhota Udepur Rubber Dam Project: ગુજરાતના જળ વ્યવસ્થાપનમાં એક નવો અને ક્રાંતિકારી અધ્યાય શરૂ થયો છે. છોટાઉદેપુર જિલ્લાના રાજવાસણા ખાતે હેરણ નદી પર અંદાજે ₹80 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ રબર ડેમનું નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં પહોંચ્યું છે.

દક્ષિણ કોરિયાની આધુનિક ટેક્નોલોજીથી સજ્જ આ પ્રોજેક્ટ માત્ર પાણીના સંગ્રહ પૂરતો મર્યાદિત નથી, પરંતુ પૂર નિયંત્રણ અને જળ સંચય બંને ક્ષેત્રે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.

આ ડેમની સૌથી મોટી વિશેષતા તેમાં વપરાયેલી અત્યાધુનિક દક્ષિણ કોરિયન ટેક્નોલોજી છે. આશરે 220 મીટર લાંબા આ ડેમમાં 180 મીટર વિસ્તારમાં 60-60 મીટરના ત્રણ વિશેષ રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવ્યા છે. પરંપરાગત ડેમથી વિપરીત આ રબર ડેમમાં પાણીની સ્થિતિ અને જરૂરિયાત મુજબ તેની ઊંચાઈ બદલી શકાય છે.

હવાની મદદથી માત્ર 30 મિનિટમાં રબર બ્લેડરને ફુલાવીને ડેમની ઊંચાઈ વધારી શકાય છે અથવા હવા બહાર કાઢીને ઊંચાઈ ઘટાડી શકાય છે. ચોમાસા દરમિયાન ભારે પાણીની આવક કે પૂરની સ્થિતિમાં ડેમની ઊંચાઈ ઘટાડીને પાણીનો નિકાલ સરળ બનાવી શકાય છે, જ્યારે ચોમાસા બાદ બ્લેડર ઊંચા કરીને મહત્તમ પાણી સંગ્રહિત કરી શકાય છે.

આ પ્રોજેક્ટથી રાજવાસણા અને તેની આસપાસના અંદાજે 80 જેટલા ગામોની કાયાપલટ થવાની આશા છે. સામાન્ય રીતે હેરણ નદીનું વધારાનું પાણી ચોમાસા બાદ સીધું નર્મદા નદીમાં વહી જતું હોય છે. જો કે આ ડેમના નિર્માણથી સ્થાનિક સ્તરે પાણીનો સંગ્રહ થવાથી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા હલ થશે અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે.

આનાથી સ્થાનિક ખેડૂતોની ચોમાસા પરની નિર્ભરતા ઘટશે અને તેઓ વૈજ્ઞાનિક ઢબે પાકનું આયોજન કરી શકશે. વધુમાં, ડેમની ઊંચાઈ નિયંત્રિત કરવાની ક્ષમતા નદીઓમાં જમા થતા કાંપની સમસ્યાના નિવારણમાં પણ ઉપયોગી સાબિત થઈ શકે છે.

જો રાજવાસણાનો આ ડ્રીમ પ્રોજેક્ટ અપેક્ષિત સફળતા હાંસલ કરે છે, તો તે આગામી સમયમાં ગુજરાતના અન્ય જળસંકટગ્રસ્ત વિસ્તારો માટે એક આદર્શ મોડેલ સાબિત થશે. હાલ અંતિમ તબક્કામાં રહેલા આ પ્રોજેક્ટના પૂર્ણ થવાથી છોટા ઉદેપુરના ખેડૂતો અને ગ્રામજનોના જીવનધોરણમાં મોટો સકારાત્મક બદલાવ આવશે તેવી પ્રબળ સંભાવના છે.