Surat: 'ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ ટ્રેન'માં આફ્રિકન નાગરિકની અન્ય મુસાફરો સાથે માથાકૂટ, RPF જવાનોએ પૂછપરછ કરતાં ઢળી પડી મોતને ભેટ્યો

ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસમાં મુસાફરો સાથે માથાકૂટ બાદ RPF દ્વારા પૂછપરછ દરમિયાન એક આફ્રિકન નાગરિકની તબિયત લથડતા તેનું સુરતમાં મૃત્યુ થયું. પોલીસ અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ કરી રહી છે અને મૃતકની ઓળખ તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 18 Aug 2026 04:50 PM (IST)Updated: Tue, 18 Aug 2026 04:50 PM (IST)
surat-new-african-national-dies-after-train-altercation-in-golden-temple-express
HIGHLIGHTS
  • આફ્રિકન યુવકે ઉશ્કેરાઈને ટ્રેનમાં રહેલા ફાયર એક્સ્ટીગ્યુઝરથી અન્ય મુસાફરો પર સ્પ્રે કર્યું

Surat: 'ગોલ્ડન ટેમ્પલ એક્સપ્રેસ' ટ્રેનમાં જનરલ ડબ્બામાં મુસાફરો વચ્ચે માથાકૂટ માથાકૂટ થતાં RPFની ટીમ 3 લોકોને પકડીને પોલીસ મથકે લાવી હતી. જ્યાં પૂછપરછ દરમિયાન આફ્રિકન યુવકની તબિયત અચાનક લથડતા તેને સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો છે.

બાંદ્રા ટર્મિનસથી ઉપડેલી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન મુંબઈથી દિલ્હી જઈ રહી હતી, જેના જનરલ ડબ્બામાં એક આફ્રિકન નાગરિકે અન્ય મુસાફરો સાથે માથાકૂટ કરી હતી. આ ટ્રેન મોડી રાતે સુરત રેલવે સ્ટેશને પહોંચતા RPF અને GRPની ટીમે આફ્રિકન નાગરિકને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો હતો.

આ દરમિયાન આફ્રિકન નાગરિકે ટ્રેનમાં લગાવેલું ફાયર એક્સ્ટીગ્યુઝર હાથમાં લઈ મુસાફરો પર સ્પ્રે કરી દીધું હતું. આ હંગામાને પગલે રોષે ભરાયેલા બે જેટલા મુસાફરોએ પણ તેનો સામનો કરી તેને માર માર્યો હતો. બીજી તરફ ત્રણેય લોકોને RPF પોસ્ટ ખાતે લાવી પૂછપરછ કરવામાં આવી રહી હતી. આ દરમ્યાન જ આશરે 45 વર્ષીય આફ્રિકન નાગરિકની તબિયત લથડી હતી અને તે બેભાન થઇ ગયો હતો. જે બાદ 108ની મદદથી તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

આ ઘટનાને પગલે ડીવાયએસપી સહિતના અધિકારીઓ સ્મીમેર હોસ્પિટલ પહોચ્યા હતા. હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે. મૃતક પાસેથી હાલ કોઈ પાસપોર્ટ, વિઝા કે ઓળખકાર્ડ જેવા દસ્તાવેજો મળ્યા નથી.

પ્રાથમિક તપાસ મુજબ તે મુંબઈથી દિલ્હી તરફ મુસાફરી કરી રહ્યો હતો. સુરત રેલવે પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકની સાચી ઓળખ મેળવવા કવાયત હાથ ધરી છે. આ સાથે જ ટ્રેનમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોની ફરિયાદ નોંધવાની તેમજ વિદેશી નાગરિકના મોત પાછળના ચોક્કસ કારણો જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.


સચિન પાલીગામમાં લોખંડનો ગેટ પડતા 4 વર્ષના બાળકનું મોત

સુરતના સચિન વિસ્તારમાં આવેલા પાલી ગામના 'શ્રી મહાવીર પેલેસ' ખાતે આ ઘટના બની હતી. અહી 4 વર્ષનો સની કુમાર નામના બાળક પર ભારેખમ લોખંડનો ગેટ પડતા બાળકને ગંભીર ઈજાઓ થઇ હતી અને બાળકનું મોત થયું છે. વ્હાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે. બીજી તરફ પરિવારે તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે. હાલમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મૃતક બાળક શનીના પિતાનું અવસાન થઇ ચુક્યું છે અને હાલમાં તે માતા સાથે બે મહિના પહેલા જ રોજીરોટી માટે સુરત આવ્યો હતો. બાળકના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, અકસ્માત બાદ કોઈ સ્થાનિક મદદ માટે આગળ આવ્યું નહોતું.