Morbi: રફાળેશ્વરમાં યુવકની ઘાતકી હત્યા, મિત્રોએ ધારદાર લાદીના આડેધડ ઘા ઝીંકી રહેંસી નાંખ્યો

મૃતકની માતા દીકરીને હોળીનો હારડો આપવા જામનગર ગયા હતા, જ્યાંથી પરત ફર્યા ત્યારે પુત્રની હત્યા કરવામાં આવી હોવાની જાણ થતાં માથે આભ તૂટી પડ્યું

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Mar 2026 07:49 PM (IST)Updated: Fri, 06 Mar 2026 07:49 PM (IST)
morbi-crime-news-30-year-old-man-murdered-near-factory-in-rafaleshwar
HIGHLIGHTS
  • હત્યા પાછળનું કારણ જાણવા પોલીસ તપાસનો ધમધમાટ

Morbi: મોરબીના રફાળેશ્વર પાસે આવેલા આંબેડકરનગરમાં રહેતા યુવકને તેમના જ મિત્રોએ કોઈ ધારદાર લાદીના આડેધડ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હોવાનો બનાવ સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મોરબીના આંબેડકરનગરમાં રહેતો ભરત ચૌહાણ (30) રફાળેશ્વર વિસ્તારમાં આવેલી કૈલાશ નામની ફેક્ટરીની પાસે હતો. આ સમયે પ્રદિપ કોળી અને તેના સાથે આવેલા અજાણ્યા ઈસમે ધારદાર લાદીના કટકા વડે હુમલો કર્યો હતો. જેમાં ધારદાર લાદી પેટમાં ઘુસાડી દેતા ભરત ઘટના સ્થળે જ લોહીના ખાબોચિયામાં ફસડાઈ ગયો હતો.

જે બાદ ભરતને તાત્કાલિક સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ હાલત ગંભીર જાણાતા તેને વધુ સઘન સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ભરતે દમ તોડતા બનાવ હત્યામાં પલટાયો હતો. આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે મોરબી પોલીસને જાણ કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

પોલીસ પૂછપરછમાં મૃતકના માતા દયાબેને જણાવ્યું કે, આ ઘટના સમયે પોતે દીકરીને હોળીનો હારડો આપવા માટે જામનગર ગયા હતા. પોતે ઘરે આવ્યા, ત્યારે તેમને આ બનાવની જાણ થઈ હતી. ભરતના પિતા હયાત નથી અને તે બે ભાઈ અને એક બહેનમાં બીજા નંબર હતો. ભરત માનસિક બીમાર હોવાથી રખડતું જીવન જીવતો હતો.