રાજકોટની યુવતી સાથે ફેસબુક ફ્રેન્ડે દુષ્કર્મ આચર્યું, લગ્નની લાલચ આપીને સતત 8 મહિના સુધી ભોગવ્યા બાદ તરછોડી દીધી

આરોપી પરપ્રાંતિય યુવતીના ઘરે અવરજવર ચાલુ કરીને શરીર સબંધ બાંધવા દબાણ કરતો હતો. ઈન્કાર કરતાં આપણે લગ્ન કરવાના જ છીએ કહીને હવસ સંતોષ્યા બાદ ફરી ગયો.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Fri, 06 Mar 2026 06:26 PM (IST)Updated: Fri, 06 Mar 2026 06:26 PM (IST)
rajkot-crime-news-facebook-friend-rape-on-lure-of-marriage-woman-files-police-complaint
HIGHLIGHTS
  • ફેસબુક ફ્રેન્ડે પોતે અપરિણીત અને પોલીસમાં હોવાનો પરિચય આપી વિશ્વાસ કેળવ્યો

Rajkot: રાજકોટ શહેરમાં વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં શહેરની 34 વર્ષીય યુવતી પર ફેસબુક ફ્રેન્ડે લગ્નની લાલચ આપીને શરીર સબંધ બાંધીને તરછોડી દીધી છે. આ મામલે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ફેસબુક IDના આધારે આરોપીની શોધખોળ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.

આ અંગે શહેરની ખાનગી કંપનીમાં નોકરી કરતી પરપ્રાંતિય યુવતીએ અમિતસિંહ પ્રભાતસિંહ ચૌહાણ નામના શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ આપી છે. પોતાની ફરિયાદમાં યુવતીએ જણાવ્યું કે, ગત મે મહિનામાં ફેસબુક પર અમિતસિંહ નામના યુવકે મોકલેલી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી હતી. જે બાદ બન્ને વચ્ચે મેસેજ દ્વારા વાતચીત થતી હતી.

આ દરમિયાન અમિતસિંહે પોતાની પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપી હતી. તેમજ પોતે અપરિણીત હોવાનું જણાવી ફરિયાદીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. અમિતસિંહે લગ્નનું વચન આપીને યુવતીના ઘરે અવરજવર ચાલુ કરીને શરીર સબંધ બાંધવા દબાણ શરૂ કર્યું હતુ.

જો કે યુવતીએ શરૂઆતમાં શરીર સબંધ બાંધવાનો ઈન્કાર કર્યો હતો, પરંતુ અમિતસિંહે આપણે લગ્ન કરી જ લેવાના છીએ, તેવી વાત કરતાં ફરિયાદીએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો. જે બાદ છેલ્લા આઠેક મહિનાથી અમિતસિંહે અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા હતા.

હવે જ્યારે યુવતીએ લગ્ન કરવાનું કહેતા અમિતસિંહ ફરી ગયો હતો. આટલું જ નહીં, અમિતસિંહે ફરિયાદી યુવતીનો ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધુ હતુ. આમ અમિતસિંહનો સંપર્ક ના થતાં પોતાની સાથે ખોટું થયું હોવાનું ભાન થતાં યુવતીએ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.