‘દરેક પરિવારમાં 3 બાળકો હોવા જોઈએ’, કડીમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલનું મોટું નિવેદન

કડીમાં કડવા પાટીદાર સમાજ દ્વારા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 15 May 2026 12:10 PM (IST)Updated: Fri, 15 May 2026 12:10 PM (IST)
vuf-president-rp-patel-on-three-child-and-patidar-samaj-in-kadi-mehsana
HIGHLIGHTS
  • આર.પી. પટેલનું 3 બાળકો પેદા કરવાનું નિવેદન
  • કહ્યું, ‘એક પરિવાર, એક ધર્મ અને એક રાષ્ટ્ર માટે’

VUF President R.P. Patel Statement: મહેસાણા જિલ્લાના કડી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન (VUF) ના પ્રમુખ આર.પી. પટેલના એક નિવેદને નવી ચર્ચા જગાવી છે. એક તરફ જ્યાં સરકાર અને સમાજ 'હમ દો, હમારે દો' સૂત્ર પર ભાર મૂકી રહ્યા છે, ત્યારે આર.પી. પટેલે જણાવ્યું કે, વંશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે દરેક પરિવારે ત્રણ બાળકો પેદા કરવા જોઈએ.

કડવા પાટીદાર સમાજ દ્વારા 'નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ'

કડી-છત્રાલ હાઈવે પર સ્થિત સરદાર પટેલ કોટન માર્કેટયાર્ડમાં શ્રી કડવા પાટીદાર 42 સમાજ એકતા વિકાસ મંચ દ્વારા '42 સમાજ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કડી અને કલોલ સહિતના 29 ગામની ટીમોએ ભાગ લીધો હતો. આ ફાઇનલ મુકાબલામાં મહાદેવ ઇલેવન (કડી) ને હરાવીને સઈજ ઇલેવન ટીમ વિજેતા બની હતી.

naidunia_image

"એક પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે" 

VUF પ્રમુખ આર.પી. પટેલે જણાવ્યું કે, વંશ અને રાષ્ટ્રની સુરક્ષા માટે દરેક પરિવારે ત્રણ બાળકો પેદા કરવા જોઈએ. જોકે, તેમણે ત્રણ સંતાનો પાછળનું તર્કબદ્ધ કારણ રજૂ કરતા કહ્યું હતું કે, એક બાળક પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે હોવું જોઈએ. સામાજિક વ્યવસ્થા અને પરિવારના અસ્તિત્વને ટકાવી રાખવા માટે આ વિચારધારા અપનાવવી અનિવાર્ય હોવાનું તેમણે ઉમેર્યું હતું.

વસ્તી નિયંત્રણની વર્તમાન નીતિઓ સામે સવાલ ઉઠાવતા આર.પી. પટેલે જણાવ્યું કે, આજે આપણે મોટા બંગલા બનાવીએ છીએ પણ અંદર રહેવા વાળું માત્ર એક જ સંતાન હોય છે. જો પરિવારમાં માત્ર એક જ પુત્ર હોય અને તે અભ્યાસ કે નોકરી માટે અમેરિકા જતો રહે, અથવા તેને કોઈ શારીરિક તકલીફ થાય કે કોઈ અણધારી ઘટના બને, તો એ પરિવારની મિલકત અને વંશનું શું? 

naidunia_image

504 ફૂટ ઊંચા મંદિર થકી વૈશ્વિક સંગઠનનો હુંકાર

આર.પી. પટેલે માત્ર બાળકોની સંખ્યા પર જ નહીં, પણ સામાજિક એકતા પર પણ ભાર મૂક્યો હતો. તેમણે અમદાવાદના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા 504 ફૂટ ઊંચા જગતજનની મા ઉમિયાના ભવ્ય મંદિરનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, આ માત્ર પથ્થરનું માળખું નથી પણ પાટીદાર સમાજને વૈશ્વિક સ્તરે વધુ સંગઠિત અને શક્તિશાળી બનાવવાનું એક માધ્યમ છે. 

યુવાનોને સંદેશ આપતા આર.પી. પટેલે જણાવ્યું કે, યુવાનો રમતગમતની સાથે સમાજ નિર્માણમાં પણ પોતાનું સક્રિય યોગદાન આપે, કારણ કે શક્તિશાળી સમાજ જ દેશના વિકાસમાં પાયાની ભૂમિકા ભજવી શકે છે. આ તકે પૂર્વ ધારાસભ્ય અરવિંદ પટેલ, કડીના ધારાસભ્ય રાજેન્દ્ર ચાવડા અને માર્કેટયાર્ડના પૂર્વ ચેરમેન રાજેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા.