Gujarat Vidhyasahayak Recruitment: ગુજરાતમાં 11 હજાર વિદ્યાસહાયક ભરતી પ્રક્રિયા અંતર્ગત અનામત રાખવામાં આવેલી 774 જગ્યાઓનો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. આ જગ્યાઓ ખાલી રહેતાં લાયક અને મેરિટમાં આવેલા ઉમેદવારોને નુકસાન થઈ રહ્યું હોવાનું જણાવી સરદાર પટેલ સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી પટેલે રાજ્ય સરકાર સમક્ષ ઉકેલની માંગણી કરીને રજૂઆત કરી છે.
ઉમેદવારોના હિતમાં તાત્કાલિક નિમણૂકની માંગ
લાલજી પટેલે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને શિક્ષણમંત્રીને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરી છે કે, 11 હજાર વિદ્યાસહાયકોની ભરતીમાં અંદાજે8 હજાર ઉમેદવારોની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. પરંતુ 774 જગ્યાઓ અનામત રહેતાં સફળ ઉમેદવારોના ભવિષ્ય પર અસર પડી રહી છે. વર્ષોની મહેનત બાદ મેરિટમાં સ્થાન મેળવનારા ઉમેદવારોને વહેલી તકે નિમણૂક મળે તેવો નિર્ણય લેવા તેમણે આગ્રહ કર્યો છે.
કોર્ટ કેસ અને ઉકેલ માટે SPGનું સૂચન
રજૂઆતમાં દર્શાવેલા મુદ્દાઓ મુજબ ભરતી પ્રક્રિયા અટવાયેલી ન રહે તે માટે વૈકલ્પિક અને વ્યવહારુ ઉકેલ લાવવાની માંગ કરવામાં આવી છે. જેમાં પિટિશન કરનારા નાપાસ ઉમેદવારો એફિડેવિટ આપે અને મેરિટના લાયક ઉમેદવારોને તાત્કાલિક નિમણૂક આપવામાં આવે, 774 જગ્યાના હકદાર ઉમેદવારોને કોર્ટના અંતિમ ચુકાદા બાદ નવી અથવા ઉપલબ્ધ જગ્યાઓમાં સમાવીને ન્યાય આપવામાં આવે.
શિક્ષણ વિભાગ અને સરકારના નિર્ણય પર નજર
મહેસાણા સહિત રાજ્યના વિદ્યાસહાયક ઉમેદવારોની નજર હવે સરકાર અને શિક્ષણ વિભાગના વલણ પર ટકી છે, કોર્ટની કાર્યવાહી અને ઉમેદવારોની રજૂઆત વચ્ચે 774 જગ્યાઓ પર કાયમી ઉકેલ ક્યારે આવે છે અને લાયક ઉમેદવારોને ક્યારે નિમણૂક મળે છે તે જોવું મહત્વપૂર્ણ રહેશે.
